રાજીવ ગાંધી હત્યાની આરોપી નલિનીએ આપઘાતનો પ્રયાસ કર્યો

– જેલમાં એેક કેદી સાથે ઝઘડો થયો હતો

– વેલ્લોરથી પુઝલ જેલમાં ખસેડવાની અરજી કરી

 

કોંગ્રેસના નેતા અને સદ્ગત વડા પ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડમાં આજીવન કેદ ભોગવી રહેલી નલિનીએ વેલ્લોર જેલમાં આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. નલિનીના વકીલ પુગલૈંતીએ આ માહિતી મિડિયાને ફોન પર આપી હતી.

નલિની છેલ્લાં 29 વર્ષથી જેલમાં છે. તાજેતરમાં એનો એક અન્ય કેદી સાથે ઝઘડો થતાં એને ખૂબ લાગી આવ્યું હતું અને 29 વર્ષમાં પહેલીવાર એણે આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જે કેદી સાથે એેને અનબન થઇ એ પણ આજીવન કેદનો આરોપી છે. ઝઘડો થયા બાદ એ કેદીએ જેલરને નલિની વિરુદ્ધ ફરિયાદ કરી હતી. એના પગલે નલિની વધુ હતાશ થઇ ગઇ હતી અને એણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

વકીલ પુગલૈંતીએે વધુમાં કહ્યું કે અગાઉ કદી આવી ઘટના  બની નહોતી એટલે ઝઘડાનું કારણ અને વિગતો જાણવાના અમારા પ્રયાસો ચાલુ છે. નલિનીનો પતિ મુરુગન પણ રાજીવ ગાંધી હત્યાકાંડ કેસમાં જેલ ભોગવી રહ્યો છે. મુરુગને જેલરને એવી અરજી કરી હતી કે નલિનીને વેલ્લોર જેલમાંથી ખસેડીને પુઝલ જેલમાં મોકલો તો સારું. વકીલ પુગલૈંતીએ કહ્યું કે મુરુગનની આ અરજી વિશે અમે કોર્ટમાં રજૂઆત કરીશું.

1991ના મે માસની 21મીએ રાજીવ ગાંધી મદ્રાસ (હાલ ચેન્નાઇ)માં ચૂંટણી પ્રવાસમાં હતા ત્યારે શ્રીરામપેરામ્બુદુર વિસ્તારમાં એમને ચાહકોની ભીડ ઘેરી વળી હતી. એ ભીડમાં નલિની પણ હતી. એણે રાજીવ ગાંધીને અર્પણ કરેલા ફૂલહારમાં બોંબ હતો.  એ બોંબ ધડાકામાં રાજીવ ગાંધીના ફૂરચા ઊડી ગયા હતા. પાછળથી એવી વાતો વહેતી થઇ હતી કે શ્રીલંકામાં વસતા તમિળો અને સિંહાલીઓ વચ્ચેના વિખવાદમાં રાજીવ ગાંધીએ ભારતીય લશ્કરને સિંહાલીઓની મદદ માટે મોકલ્યું હતું તેથી તમિળ ટાઇગર નામની આતંકવાદી સંસ્થાએ રાજીવ ગાંધીની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.