દા.ન.હવેલી સાંસદ પાસે ચૂંટણીલક્ષી મુદ્દો નહીં હોવાથી રાજીનામાનું નાટક કરે છે

સ્પીકરને રાજીનામું આપવાને બદલે સોશિયલ મીડિયા થકી રાજીનામું આપવાની વાત સાંસદ મોહન ડેલકરનોે સ્ટંટ છે

સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણી આવી રહી છે ત્યારે ભાજપનો આક્ષેપ

સંઘપ્રદેશ દા.ન.હવેલીના સાંસદે આગામી ત્રણ મહિનામાં યોજાનારી સ્વાયત્ત સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ રાજીનામું આપવાની વાત કરી હોવાનો આક્ષેપ કરાયો છે. લોકસભાની ચૂંટણીમાં કરેલા વાયદાઓ પરિપૂર્ણ નહીં થતાં અને આગામી ચૂંટણીમાં કોઈ મુદ્દો નહીં હોવાથી લોકોને ભાવુક કરવા માટે જ આ પગલું ભર્યું હોવાનો ભાજપે ખુલ્લો આક્ષેપ કરતાં રાજકારણમાં ગરમાટો આવ્યો છે.

દા.ન.હવેલી પ્રશાસનિક અધિકારીઓ ખોટી રીતે હેરાનગતિ કરતાં હોવાની સાથે પ્રદેશના સાંસદ જે વ્યક્તિ તેમજ સંસ્થા સાથે જોડાયેલા છે તેને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે મોહન ડેલકરે આગામી લોકસભા સત્રમાં રાજીનામું આપી દેવાની સોશિયલ મીડિયા થકી જાહેરાત કરી હતી. જોકે આ મામલે પ્રદેશ ભાજપે આપેલી પ્રતિક્રિયામાં રાજીનામું આપવાની વાત માત્ર સ્ટંટ હોવાનું જણાવાયું છે. સંઘપ્રદેશ ભાજપ દ્વારા સોશિયલ મીડિયા પર યોજાયેલી પત્રકાર પરિષદમાં પ્રદેશ ભાજપ પ્રમુખ દિપેશ ટંડેલે જણાવ્યું કે, આગામી ત્રણ મહિનામાં જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ યોજાવાની છે. આ ચૂંટણીમાં વર્તમાન સાંસદ મોહન ડેલકર પાસે કોઈ ચૂંટણીલક્ષી મુદ્દો નથી. સાથે લોકસભા ચૂંટણીમાં કરેલા વાયદાઓ પણ પરિપૂર્ણ નહીં થતાં લોકોને ભાવનાત્મક રીતે પોતાના તરફ ખેંચવા માટે રાજીનામું આપવાની વાત કરી છે. જો મોહન ડેલકરને હકીકતમાં રાજીનામું આપવું જ હોય તો તેઓએ લોકસભા સ્પીકરને રાજીનામું આપ્યા બાદ લોકો સમક્ષ આવવાની જરૃર હતી. તેઓએ ઉમેર્યું કે, સાંસદને બ્રીચ ઓફ પીસનો વિશેષ અધિકાર આપવામાં આવે છે, જેથી જે અધિકારીઓ વિરૃદ્ધ ફરિયાદ હોય તેની લોકસભામાં ફરિયાદ કરી શકાય છે અને તેનું નિરાકરણ પણ આવે છે. પરંતુ તેમ નહીં કરીને માત્ર ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ આ જાહેરાત કરી હોવાનો આક્ષેપ લગાવવામાં આવતાં પ્રદેશમાં રાજકીય ગરમાટો વધી ગયો છે.




લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.