ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે નવસારી બેઠકના સાંસદ અને 6.89 લાખની લાખથી વધુ મતના માર્જિનથી વિજયી બનેલા અને વડાપ્રધાન મોદીની અત્યંત નજીક ગણાતા સી.આર. પાટિલની નિમણૂક કરવામાં આવી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ તેમની નિમણૂકની જાહેરાત કરી હતી.
ઓગસ્ટ 2016થી જિતુ વાઘાણી પ્રદેશ પ્રમુખ તરીકે સક્રિય હતા. તેમને સ્થાને નવા બિનગુજરાતની નેતાની નિમણૂક આજે કરવામાં આવી છે. પોલીસ કોન્સ્ટેબલની નોકરીથી શરૂઆત કરીને આજે ગુજરાત પ્રદેશ પ્રમુખના હોદ્દા સુધી ચંદ્રકાન્ત રઘુનાથ પાટિલ પહોંચ્યા છે. સી.આર. પાટિલ આવતીકાલથી જ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ તરીકેનો ચાર્જ સંભાળી લેશે.
સીઆર પાટીલની નિમણૂક બાદ ભાજપમાં ઉદાસિનતા
મૂળ મહારાષ્ટ્રના વતની સી.આર. પાટીલની નિમણૂકથી ખુદ ભાજપમાં ઉત્સાહનો માહોલ નથી. કારણે કે સી.આર. પાટિલનું કાર્યક્ષેત્ર ભરૂચથી માંડીને વલસાડ અને ઉંમરગામ સુધીનું જ છે. તેમનો સૌરાષ્ટ્રમાં કે ઉત્તર ગુજરાતમાં કોઈ જ ખાસ પ્રભાવ નથી. તેથી તેમને માટે સમગ્ર ગુજરાતના ભાજપ કાર્યકરોને સાથે રાખવા કઠિન બનશે.બીજું, બિનગુજરાતીની ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે કરવામાં આવેલી નિમણૂકથી ગુજરાતીઓ અને તેમાંય ખાસ કરીને કડવા અને લેઉવા પટેલોમાં પણ તેમની નિમણૂકથી ઉત્સાહ વધ્યો નથી.
તેમ જ અન્ય પછાત વર્ગને અપેક્ષા હતી કે આ વખતે તેમની કોમ્યુનિટીમાંથી વગદાર નેતા તરીકે પ્રદેશ અધ્યક્ષ તરીકે નિમણૂક મળશે. તેમની આશા પણ ઠગારી પુરવાર થઈ છે. ઉત્તર ગુજરાતમાં તેમને માટે પ્રભાવ પાથરવો કઠિન બની શકે છે. આ જ રીતે સૌરાષ્ટ્રમાં કે કચ્છમાં પ્રભાવ પાડવો કઠિન બની શકે છે. કોન્ગ્રેસ છોડીને ભાજપમાં આઠ વિધાનસભ્યો જોડાયા છે.
આ વિધાનસભ્યની બેઠકો પર પેટા ચૂંટણી થવાની છે. તેમાંથી પાંચથી છ બેઠકો સૌરાષ્ટ્ર અને કચ્છની છે. તેમાં અબડાસા, મોરબી, ગઢડા, ધારી ને લીમડીની બેઠકનો સમાવેશ થાય છે. આમ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આઠેઆઠ બેઠક પર ભાજપને વિજય અપાવી શકે તેવું સી.આર. પાટીલનું ગજું ન હોવાનું ભાજપના જ કાર્યકરો અને સભ્યો માને છે.
આ સ્થિતિમાં વિધાનસભાની પેટા ચૂંટણી તેમની પહેલી મોટી કસોટી બની રહેવાની સંભાવના છે. તેથી જ તેમની નિમણૂકથી ભાજપના સંગઠનમાં પણ તેમની નિમણૂકથી ઉત્સાહનો સંચાર થયો નથી. જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીમાં પણ ભાજપ માટે કપરાં ચઢાણ છે. તેથી સી.આર. પાટીલ આ ચૂંટણીમાં પણ ભાજપને પાર ઉતારી શકશે કે કેમ તે અંગે આશંકા સેવવામાં આવી રહી છે.
ત્રીજું કોન્ગ્રેસે હાર્દિકને આગળ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની વોટબૅન્કનો લાભ લેવા માટેનો વ્યૂહ ગોઠવી દીધો છે. 2017ની ચૂંટણી વખતનો હાર્દિકનો અનુભવ કોન્ગ્રેસને મદદરૂપ થઈ શકશે. તેની સામે સી.આર. પાટીલ એક સાવ જ અજાણી વ્યક્તિની જેમ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જવું પડશે. પરિણામે ભાજપને પેટા ચૂંટણી અને જિલ્લા-તાલુકા પંચાયતની ચૂંટણીમાં નુકસાન થાય તેવી દહેશત પણ ભાજપના કાર્યકર્તાઓમાં ફરી વળી છે.
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે સી.આર. પાટીલની કરેલી નિમણૂકને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આવકારી હતી. તેમના નેતૃત્વ હેઠળ ગુજરાત પ્રદેશ ભાજપ સારી પ્રગતિ કરશે અને સંગઠનનો વ્યાપ વધશે. જિતુ વાઘાણીએ પણ તેમની નિમણૂકને આવકારી છે.
સી.આર. પાટીલ 1990ની સાલમાં ભાજપમાં જોડાયા હતા. ચાર જ વર્ષના ટૂંકા ગાળામાં ભાજપના સુરત જિલ્લાના પ્રમુખ પદે પહોંચી ગયા હતા. સી.આર. પાટીલે 1975માં પોલીસ કોન્સ્ટેબલ તરીકે તેમની નોકરીથી શરૂઆત કરી હતી.
પોલીસ કોન્સ્ટેબલ તરીકેની તેમની નોકરી વિવાદોથી ભરેલી રહી હતી. ગેરકાયદે દારૂની હેરફેરમાં તેમની સંડોવણી બહાર આવતા તેમને પોલીસની નોકરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
પલસાણા તાલુકામાંથી 1978માં એક બુટલેગર પાસેથી દારૂનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો. આ કેસના સંદર્ભે તેમનું નામ પોલીસ ચોપડે ચઢ્યું હતું. દારૂની હેરફેરના જ અન્ય એક કેસમાં તેમનું નામ પોલીસ ચોપડે ચઢ્યું હતું. સુરત પોલીસ ટાસ્ક ફોર્સે તેમની ધરપકડ કરીને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા હતા.
1984માં ફરીથી પોલીસની નોકરીમાં જોડાયા હતા. નોકરીમાં જોડાઈને તેમણે પોલીસ યુનિયનની રચના કરવાની કોશિશ કરી તેથી ફરીથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમનું નામ ઓક્ટ્રોય ચોરીના કેસમાં આવ્યું હતું. 1995માં તેમની સામે ઓક્ટ્રોયની ચોરીનો કેસ પણ થયો હતો.
સુરતના ટેક્સટાઈલ સેક્ટરના મોભીઓએ તેમને ખાસ્સો સાથ આપ્યો હતો. 2002ની સાલમાં ડાયમન્ડ જ્યુબિલી બૅન્કના કૌભાંડમાં તેઓ સંડોવાયેલા હોવાનું બહાર આવ્યુંહ તું. તેમણે રૂા. 54 કરોડની લોન લઈને પૈસા પરત કર્યાનહોતા. તેથી તેના ખાતેદારોના પૈસા ડૂબી ગયા હતા. આજે પણ તેમાંથી ઘણાંને પૈસા મળ્યા નથી. આ માટે તેમને જેલમાં પણ જવું પડયું હતું.
ત્યારબાદ તેમને ગુજરાત સરકારની માલિકીની ગુજરાત આલ્કલીઝ એન્ડ કેમિકલ લિમિટેડના ચૅરમૅન બનાવવામાં આવ્યા હતા. આ હોદ્દો મળ્યા પછી તેમણે સચિનમાં મજૂરો માટે 65000 ફ્લેટ બનાવવા 48 એકર જમીન ખરીદી તેનો વિવાદ થયો હતો.
આ જ રીતે ગુજરાત ઔદ્યોગિક વસાહત નિગમની છ એકર જમીન 90 વર્ષના ભાડાપટ્ટે મળે તે માટે રૂા. 6 કરોડ પણ તેમણે જમા કરાવ્યા હતા. બાકીના નાણાં ચૂકવવાની શરતે આ જમીન તેમણે મેળવી હતી. પરંતુ બાકીના નાણાં ચૂકવવામાં સી.આર. પાટીલ નિષ્ફળ ગયા હતા.
લોકસભાની હાઉસિંગ કમિટીના ચૅરમૅન તરીકે સેવા આપી રહેલા સી.આર.પાટીલ અર્બન ડેવલપમેન્ટ કમિટી અને સુરત એરપોર્ટ એડવાઈઝરી કમિટીના ચેરમેનના હોદ્દા પર બિરાજમાન છે. સુરત જિલ્લાના પ્રભારી અને બિહારના પ્રદેશના સહપ્રભારી તરીકે પણ તેઓ સક્રિય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.