ઓક્સફર્ડ માટે બનનારી વેક્સિનમાંથી 50% ભારત માટે હશેઃ સીરમ ઈન્સ્ટિટ્યુટ

કંપની ના કહેવા પ્રમાણે તેઓ વેક્સિનની કિંમત ઓછી રાખવા પ્રયત્ન કરશે પરંતુ સરકારો તેને મફતમાં જ વહેંચે તેની શક્યતા વધારે

કોરોના વેક્સિનને લઈ એક રાહતના સમાચાર સામે આવ્યા છે. પુણે ખાતે આવેલી સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના અહેવાલ પ્રમાણે ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિત કરવામાં આવી રહેલી વેક્સિનના ડિસેમ્બર સુધીમાં 30-40 લાખ ડોઝ તૈયાર થઈ જશે. એસઆઈઆઈના પ્રમુખ અદાર પૂનાવાલાના કહેવા પ્રમાણે ઓક્સફર્ડ માટે બનનારી વેક્સિનમાંથી 50 ટકા ભારત માટે હશે.

અદાર પૂનાવાલાએ જણાવ્યું કે, કોવિડશીલ્ડ કોરોના વાયરસને હરાવનારી પહેલી કોરોના વેક્સિન બની શકે છે જો તેનું પરીક્ષણ બ્રિટન અને ભારતમાં સફળ થાય. વિશ્વમાં સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા સૌથી મોટું વેક્સિન ઉત્પાદક છે તથા ઓક્સફર્ડ યુનિવર્સિટી અને એસ્ટ્રાજેનેકાએ તેને વેક્સિન બનાવવા માટે પસંદ કરી છે. એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા જે વેક્સિન બનાવવામાં આવી છે તેની કોઈ જ સાઈડ ઈફેક્ટ્સ નથી.

લૈંસેટ જર્નલમાં છપાયેલા વેક્સિનના પરિણામાનુસાર જે લોકોને આ વેક્સિન આપવામાં આવી છે તેમનામાં મજબૂત ટી-સેલ્સ ઈમ્યુન રિસ્પોન્સ જોવા મળ્યો છે. અદાર પૂનાવાલાએ જણાવ્યું કે તેઓ ઓગષ્ટ મહીના સુધીમાં 5,000 સ્વૈચ્છિક ભારતીયો પર કોવિડ-19 વેક્સિનનું ટ્રાયલ શરૂ કરશે અને જો બધું બરાબર ચાલશે તો આગામી વર્ષે જૂન મહીના સુધીમાં વેક્સિન લોન્ચ કરી દેવામાં આવશે.

પૂનાવાલાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન ઓગષ્ટ સુધીમાં વેક્સિનનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવશે તેવી માહિતી આપી હતી. તેમના કહેવા પ્રમાણે ડિસેમ્બર સુધીમાં તેઓ વેક્સિનના 30-40 લાખ ડોઝ તૈયાર કરી દેશે અને 2021ના વર્ષના પ્રથમ ત્રણ મહીના સુધીમાં ભારતની મોટા ભાગની વસ્તી પાસે વેક્સિન પહોંચી ગઈ હશે.

પૂનાવાલાએ વેક્સિન ખૂબ જ પરવડે તેવા ભાવમાં વેચવામાં આવશે તેની ખાતરી આપી હતી. તેમના કહેવા પ્રમાણે વેક્સિનની કિંમત 1,000 રૂપિયાની આસપાસ કે તેનાથી પણ ઓછી રહે તેવો પ્રયત્ન ચાલુ છે. વધુમાં પોતાનો મત વ્યક્ત કરતા જણાવ્યું કે, ‘અમને નથી લાગતું કે કોઈ દેશ કે તેના નાગરિકોને આ વેક્સિન ખરીદવાની જરૂર પડશે કારણ કે દેશની સરકારો જ તેને ખરીદીને મફતમાં વહેંચશે.’

એસઆઈઆઈના અહેવાલ પ્રમાણે બજારમાં વેક્સિન લોન્ચ કરતા પહેલા 30 કરોડ ડોઝ તૈયાર કરવા કંપનીએ આશરે 200 મિલિયન ડોલર દાવ પર મુક્યા છે. પુણે અને મુંબઈમાં વિકાસશીલ સ્તરવાળી વેક્સિનનું 4000-5000 સ્વૈચ્છિક લોકો પર પરીક્ષણ કરવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.