મધ્ય પ્રદેશ : CM શિવરાજ સિંહ ચૌહાણ કોરોનાગ્રસ્ત, લખ્યું- ‘મેં બચવા માટે તમામ સંભવિત પ્રયત્ન કર્યા’

ચૌહાણની ગેરહાજરીમાં નરોત્તમ મિશ્રા, ભૂપેન્દ્ર સિંહ, વિશ્વાસ સારંગ અને ડો. પીઆર ચૌધરી સહિતના મંત્રીઓ કોરોનાની સમીક્ષા બેઠક સંભાળશે

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમણે પોતે જ આ અંગે જાણકારી આપી હતી. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે લખ્યું હતું કે, ‘મારા વહાલા પ્રદેશવાસીઓ, મને કોવિડ-19ના લક્ષણો અનુભવાઈ રહ્યા હતા અને ટેસ્ટ બાદ મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મારી તમામ સાથીઓને વિનંતી છે કે જે પણ મારા સંપર્કમાં આવ્યા હોય તે પોતાનો કોરોના ટેસ્ટ કરાવી લે. મારા ખૂબ નજીકથી સંપર્કમાં આવેલા લોકો ક્વોરેન્ટાઈનમાં જતા રહો.’

શિવરાજ સિંહ ચૌહાણે ટ્વિટમાં લખ્યું હતું કે, હું કોવિડ-19ની તમામ ગાઈડલાઈન્સનું પાલન કરી રહ્યો છું. ડોક્ટરની સલાહ પ્રમાણે જાતને ક્વોરેન્ટાઈન કરીશ. મારી પ્રદેશની જનતાને વિનંતી છે કે સાવધાની રાખે, થોડી પણ અસાવધાની કોરોનાને નિમંત્રણ આપે છે. મેં કોરોનાથી બચવા તમામ સંભવિત પ્રયત્નો કર્યા પરંતુ અનેક વિષયોને લઈ લોકોની મુલાકાત થતી હતી.

વધુમાં જણાવ્યું કે, કોવિડ-19ની સમયસર સારવાર થાય તો વ્યક્તિ એકદમ સાજી થઈ શકે છે. હું 25મી માર્ચથી દરરોજ સાંજે કોરોના સંક્રમણની સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજતો આવ્યો છું. હું હવે બને તો વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કોરોનાની સમીક્ષા કરવા પ્રયત્ન કરીશ.

શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું કે, ‘મારી ગેરહાજરીમાં હવે આ બેઠક ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા, નગરી વિકાસ અને પ્રશાસન મંત્રી ભૂપેન્દ્ર સિંહ, સ્વાસ્થ્ય શિક્ષા મંત્રી વિશ્વાસ સારંગ અને સ્વાસ્થ્ય મંત્રી ડો. પીઆર ચૌધરી સંભાળશે. હું પોતે પણ સારવાર દરમિયાન પ્રદેશમાં કોવિડ-19ના નિયંત્રણ માટે તમામ સંભવિત પ્રયત્ન કરતો રહીશ.’

ઉલ્લેખનીય છે કે મધ્ય પ્રદેશમાં કોરોના સંક્રમણનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. ખાસ કરીને ભોપાલની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. તેને ધ્યાનમાં રાખીને રાજધાની ભોપાલમાં 24મી જુલાઈની રાતથી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલી ગાઈડલાઈન પ્રમાણે લોકડાઉન શુક્રવારે રાત્રે 8 કલાકે શરૂ થશે અને 4 ઓગ્ષ્ટના સવારના 5 કલાક સુધી લાગુ રહેશે. તેમાં જરૂરી સેવાઓ છોડીને બાકીની તમામ ગતિવિધિઓ પ્રતિબંધિત રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.