પિયૂષ ગોયલે આપ્યો રાહુલને જવાબ- ‘દેશને લૂંટનારાઓ જ સબસિડીને નફો ગણાવી શકે’

રેલવેએ રાજ્ય સરકારો પાસેથી જે રાશિ લીધી તેના કરતા ઘણાં વધુ રૂપિયા શ્રમિક ટ્રેનો ચલાવવામાં લગાવ્યા હોવાની સ્પષ્ટતા

 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નિવેદન સામે કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે વળતો હુમલો કર્યો છે. રાહુલ ગાંધીએ એક ટ્વિટમાં કેન્દ્રની મોદી સરકાર પર સંકટના સમયે પણ નફો કમાવવાનો આરોપ મુક્યો છે. તેનો જવાબ આપતા પિયૂષ ગોયલે એક ટ્વિટમાં લખ્યું હતું કે, ‘દેશને લૂંટનારાઓ જ સબસિડીને નફો ગણાવી શકે છે. રેલવેએ રાજ્ય સરકારો પાસેથી જે રાશિ લીધી તેના કરતા ઘણાં વધુ રૂપિયા શ્રમિક ટ્રેનો ચલાવવામાં લગાવ્યા. હવે લોકો પુછી રહ્યા છે કે સોનિયાજીએ ટિકિટના પૈસા આપવા વચન આપેલું તેનું શું થયું?’

હકીકતે રાહુલ ગાંધીએ શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્ર સરકાર વિરૂદ્ધ એક ટ્વિટ કરી હતી જેની ખૂબ ચર્ચા થઈ રહી છે. રાહુલ ગાંધીએ ટ્વિટમાં લખ્યું હતું કે, ‘બીમારીના વાદળ છવાયેલા છે, લોકો મુશ્કેલીમાં છે, ફાયદો લઈ શકો છો- સંકટને નફામાં ફેરવીને કમાઈ રહી છે ગરીબ વિરોધી સરકાર’ આ ટ્વિટની સાથે જ રાહુલ ગાંધીએ એક સમાચાર પણ ટેગ કર્યા હતા અને આ ટ્વિટ મુદ્દે જ કેન્દ્રીય મંત્રી અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા પિયૂષ ગોયલે જવાબ આપ્યો છે.

રાહુલ ગાંધીએ એક રિપોર્ટ ટ્વિટ કરીને મુશ્કેલીમાં નફો કમાવવા અંગે ટિપ્પણી કરી હતી. આ રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે કે કોરોના મહામારીના સમય દરમિયાન ભારતીય રેલવેએ શ્રમિક સ્પેશિયલ ટ્રેન દ્વારા 428 કરોડ રૂપિયાની કમાણી કરી છે. રાહુલ ગાંધીએ લોકડાઉન દરમિયાન શ્રમિક મજૂરો માટે ચલાવવામાં આવેલી ટ્રેનોના ભાડાને લઈ ટિપ્પણી કરી છે. તે સમયે ભાડાને લઈ વિપક્ષે સરકારને ઘેરી હતી. જો કે સરકારના કહેવા પ્રમાણે ભાડાનો 85 ટકા હિસ્સો કેન્દ્ર સરકાર વહન કરી રહી છે.

કોરોના સંક્રમણના કારણે 25મી માર્ચના રોજ જ્યારે અચાનક જ રાષ્ટ્રવ્યાપી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું તો બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ઓડિશાના લાખો મજૂરો દિલ્હી, મુંબઈ, પુણે, સુરત, અમદાવાદ જેવા શહેરોમાં ફસાઈ ગયા હતા. તે સમયે રેલવે સેવા બંધ હોવાથી અને અન્ય કોઈ સાધનની સુવિધા ન હોવાથી શ્રમિક મજૂરોએ પગપાળા પોતાના ઘરે જવાનું શરૂ કરી દીધું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.