ગાંધી-નેહરૂ પરિવાર સાથે સંકળાયેલા ટ્ર્સ્ટની તપાસ મામલે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું
હરિયાણા સરકારે ગાંધી-નેહરૂ પરિવારની સંપત્તિઓ જપ્ત કરવાનો આદેશ આપ્યો છે. રાજ્યના મુખ્ય સચિવ કેશની આનંદ અરોડાએ હરિયાણાના શહેરી સ્થાનિક નિકાય વિભાગને સંપત્તિઓની તપાસ કરવાનો આદેશ આપ્યો છે. હકીકતે એક આરોપ પ્રમાણે 2005થી 2010 દરમિયાન ગાંધી-નેહરૂ પરિવારના નામે હરિયાણામાં અનેક સંપત્તિઓ ભેગી કરવામાં આવી હતી.
હરિયાણામાં 2005થી 2014 દરમિયાન ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાની સરકાર હતી. આરોપ પ્રમાણે તે સમય દરમિયાન કોંગ્રેસના અનેક ટ્રસ્ટ અને ગાંધી-નેહરૂ પરિવાર માટે અનેક સંપત્તિઓ ભેગી કરવામાં આવી હતી. તેમાંથી કેટલીક સંપત્તિઓની તપાસ પહેલેથી જ ચાલી રહી છે. ત્યારે હવે કેન્દ્ર સરકારના પત્ર બાદ ગાંધી-નેહરૂ પરિવારની બાકીની સંપત્તિઓની તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.
કેન્દ્રએ હરિયાણા સરકારને લખ્યો પત્ર
કેન્દ્ર સરકારે હરિયાણા સરકારને રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટ સાથે જોડાયેલી સંપત્તિઓની તપાસનો આદેશ આપ્યો છે. ત્યાર બાદ મુખ્ય સચિવ કેશની આનંદ અરોડાએ શહેરી સ્થાનિક નિકાય વિભાગને તપાસની જવાબદારી સોંપી છે.
કેન્દ્ર દ્વારા ત્રણેય ટ્રસ્ટની તપાસ
ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટી અને વડાપ્રધાન રાહત કોષમાંથી ફંડ મળ્યાના સમાચાર બાદ કેન્દ્ર સરકારે ગાંધી-નેહરૂ પરિવાર સાથે સંકળાયેલા ટ્રસ્ટ અને ફાઉન્ડેશનની તપાસનો આદેશ આપ્યો હતો. રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસ થવાની છે અને તે માટે એક કમિટી પણ બનાવી દેવાઈ છે.
આ કમિટી રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાજીવ ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ અને ઈન્દિરા ગાંધી મેમોરિયલ ટ્રસ્ટની તપાસ કરશે જેમાં મની લોન્ડ્રિંગ અને વિદેશી ફંડ સિહત અનેક કાયદાના કથિત ઉલ્લંઘન કેસની તપાસ થશે. ગૃહ મંત્રાલયના એક પ્રવક્તાએ જણાવ્યા મુજબ ઈડીના એક વિશેષ ડિરેક્ટર આ ટીમનું નેતૃત્વ કરશે.
રાહુલે મોદી સરકાર પર સાધેલું નિશાન
ગાંધી-નેહરૂ પરિવાર સાથે સંકળાયેલા ટ્ર્સ્ટની તપાસ મામલે કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલના કહેવા પ્રમાણે પીએમ મોદીને લાગે છે કે આખી દુનિયા તેમના જેવી છે. તેમને લાગે છે કે બધાની કિંમત હોય છે કે બધાને ડરાવી શકાય છે પરંતુ તે કદી નહીં સમજે કે જે સત્ય માટે લડે છે તેમને ખરીદી કે ડરાવી ન શકાય.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.