કોંગ્રેસના મહા મંત્રી પ્રિયંકા ગાંધીએ ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથને પત્ર લખીને રાજ્યમાં કથળી રહેલી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તત્કાળ સુધારવાની હાકલ કરી હતી.
છેલ્લાં ત્રણ સપ્તાહમાં બનેલી અપરાધની મોટી ઘટનાઓનેા ઉલ્લેખ કરતાં પ્રિયંકાએ એવો આક્ષેપ કર્યો હતો કે રાજ્યનું પોલીસ તંત્ર કાં તો કાર્યક્ષમ નથી અથવા અપરાધીઓ સાથે મળેલી છે. ગાઝિયાબાદની ઘટના એનો જ્વલંત દાખલો છે. પોતાની ભાણેજની છેડતી કરનારા લોકો સામે પોલીસને ફરિયાદ કરનારા પત્રકારને ઠંડે કલેજે મારી નાખવામાં આવ્યો હતો. પોલીસે ફરિયાદની વિગતો લીક થવા દીધી હતી.
પ્રિયંકાએ કહ્યું હતું કે તમે તો લોકોને રામરાજ્ય આપવાનો વાયદો કર્યો હતો પરંતુ તાજેતરની ઘટનાઓ જોતાં એવું લાગે છે કે ઉત્તર પ્રદેશમાં ગુંડારાજ સ્થપાઇ ચૂક્યું છે. અપરાધીઓને કડક હાથે ડામીને રાજ્યમાં તત્કાળ કાયદો અને વ્યવસ્થા સ્થાપવાની જરૂર છે. લોકો તમારા શાસન પરથી વિશ્વાસ ગુમાવી રહ્યાછે એવો આક્ષેપ પણ પ્રિયંકાએ કર્યો હતો. તમે મતદારોનો વિશ્વાસ બહુ ઝડપભેર ગુમાવી રહ્યા છો એટલે ત્વરિત પગલાં ભરીને કાયદાના તંત્રમાં લોકોને વિશ્વાસ પ્રગટે એવાં પગલાં લો. રામ મંદિરના કામમાં જેટલો રસ લો છો એટલો કાયદો અને વ્યવસ્થા સ્થાપવાના કામમાં પણ તમારે લેવો જોઇએ.
પ્રિયંકાએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે પોલીસ અપરાધીઓ સામે પગલાં લે ત્યારે અન્ય પક્ષોના નેતાઓ પોલીસ પર દબાણ લાવે છે. એ પણ અટકવું જોઇએ. આવા નેતાઓમાં શાસક પક્ષના નેતાઓનેા પણ સમાવેશ થાય છે એમ પ્રિયંકાએ લખ્યું હતું. આ પત્રની નકલ મોડેથી મિડિયાને પણ આપવામાં આપવામાં આવશે એવું પ્રિયંકાની નિકટનાં સૂત્રોએ કહ્યું હતું.
આ પરિસ્થિતિ લાંબો સમય ચલાવી લઇ શકાય નહીં એવું પ્રિયંકાના પત્રમાં ભારપૂર્વક જણાવાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.