ગાંધીનગરમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા, 50ની મંજૂરી હોવા છતા 300 હોમગાર્ડ જવાનો ભેગા થયા


ગાંધીનગરમાં કોરોનાના કેસોમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે ત્યારે એક તરફ જ્યાં ઝડપથી આ સંક્રમણ રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ જિલ્લા કમાન્ડન્ટ દ્વારા જુના સચિવાલય બ્લોક નંબર-6 ખાતે હોમગાર્ડ જવાનોની પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જુના સચિવાલય ખાતે આજે સવારે હોમગાર્ડ જવાનોની પરેડ બોલવામાં આવી જેમાં મોટી સંખ્યામાં જવાનો ભેગા થયા ત્યાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો.ગાંધીનગરમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા હતા. કમાન્ડન્ટ કચેરીએ પરેડ માટે 300 હોમગાર્ડ જવાનો ભેગા થઈ ગયા હતા. 50ની મંજૂરી હોવા છતા 300 હોમગાર્ડ જવાનોને બોલાવવામાં આવ્યા હતા. સરકારની ગાઈડલાઈનનું અધિકારીઓ જ પાલન કરતા નથી, તો પ્રજા તેમને જોઈને શું કરવાની? ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરના પત્ર પછી પણ નિયમભંગ જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે તો બીજી તરફ અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. સોમવારે 144 નવા કેસ નોંધાયા હતા તો બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં એક જ દિવસમાં સૌથી વધુ 40 નવા કેસ નોંધાયા હતા. સોમવારે શહેર અને જિલ્લાના મળીને કુલ 184 નવા કેસ નોંધાયા છે જ્યારે શહેરમાં કોરોનાની સારવારમાં ચાર દર્દીનાં મોત નીપજ્યાં છે. શહેરમાં કુલ મૃત્યુઆંક 1569 થઇ ગયો છે જ્યારે કુલ કેસની સંખ્યા 25,379 થઇ ગઇ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.