ચીનમાં MBBS ભારતીય વિદ્યાર્થીઓ માટે આવ્યાં ખરાબ સમાચાર, જાણો વિગતે

ચીનમાં એમબીબીએસ (MBBS)નો અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓએ હવે મોટી મુશ્કેલીનો સામનો કરવો પડશે. અહીંના શિક્ષણ મંત્રાલયે કહ્યું છે કે, ચીનની 200થી વધુ મેડિકલ કૉલેજોમાંથી ફક્ત 45 કૉલેજો અંગ્રેજીમાં એમબીબીએસ ભણાવી શકશે. આ સિવાય અન્ય તમામ કૉલેજોમાં એમબીબીએસને ચાઈનીઝ ભાષા મેન્ડરિનમાં ભણાવવામાં આવશે.

મોટાભાગના વિદેશી વિદ્યાર્થીઓ અંગ્રેજીમાં એમબીબીએસનો અભ્યાસ કરવા માટે ચીન આવે છે. આ વિદ્યાર્થીઓમાં ઘણી મોટી સંખ્યા ભારતીય વિદ્યાર્થીઓની હોય છે. અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયાની મેડિકલ કૉલેજોની સરખામણીએ અહીંની કૉલેજો સસ્તી હોવાના કારણે ભારત અને અન્ય એશિયાઈ દેશોના વિદ્યાર્થીઓ ચીનમાં અભ્યાસઅર્થે આવવાનું પસંદ કરે છે. હાલમાં 23,000થી વધુ ભારતીય વિદ્યાર્થીઓ ચીનમાં વિવિધ અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહ્યા છે.

બીજી તરફ પાકિસ્તાનના 28,000થી વધુ વિદ્યાર્થીઓ હાલ ચીનમાં અભ્યાસ કરે છે. અહીંની કોલેજોમાં કુલ પાંચ લાખ જેટલા વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. ભારતના 23,000 વિદ્યાર્થીઓમાંથી 21,000 એમબીબીએસનો અભ્યાસ કરે છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

ચીનના શિક્ષણ મંત્રાલયના આ નિર્ણયની ભારતીય વિદ્યાર્થીઓ પર થનારી અસર વિશેની માહિતી અહીંના ભારતીય દૂતાવાસે પણ શેર કરી છે. દૂતાવાસે જણાવ્યું હતું કે, સૂચિમાં મુકાયેલી 45 કૉલેજો ઉપરાંત અન્ય કોઈપણ કૉલેજમાં એમબીબીએસ માટે વિદેશી વિદ્યાર્થીઓએ મેન્ડરિનમાં જ અભ્યાસ કરવો પડશે. જોકે, વિદેશી વિદ્યાર્થીઓને સૂચિની બહારની તમામ કૉલેજોમાં મેન્ડરિનમાં એમબીબીએસનો અભ્યાસ કરવાની મંજૂરી આપવામાં આવશે કે કેમ એ વાત હજુ સ્પષ્ટ થઈ નથી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.