દિલ્હીમાં નિર્ભયા કાંડ જેવી વધુ એક ઘટના, સગીર વયની બાળા પર રેપ કરીને ગંભીર ઇજા પહોંચાડી

– હૉસ્પિટલમાં સિરિયસ હોવાનો ડૉક્ટરનો રિપોર્ટ

 

પાટનગર નવી દિલ્હીના પશ્ચિમ વિહાર વેસ્ટના પીરાગઢી વિસ્તારમાં થોડાં વરસેા પહેલાં બનેલા નિર્ભયા કાંડ જેવો એક ઘૃણાસ્પદ બનાવ બન્યો હતો.  13 વર્ષની એક સગીર બાળા પર ગેંગ રેપ કર્યા બાદ એને ગંભીર ઇજા પણ પહોંચાડવામાં આવી હતી. પોલીસ માને છે કે આ કિસ્સામાં એકથી વધુ લોકો સંડોવાયેલા હોવા જોઇએ. આ સગીર બાળાએ પોતાના પર થઇ રહેલા અત્યાચારનો વિરોધ કરતાં ધારદાર કાતર વડે એના પર હુમલો કરવામાં આવ્યો હતો અને લોહીથી લથપથ કિશોરીને મરી ગયેલી સમજીને રેપિસ્ટો નાસી ગયા હતા. લોહીયાળ સ્થિતિમાં આ કિશોરી ઘસડાતી ઘસડાતી પાડોશીના ઘર સુધી આવી હતી અને મદદ માટે કરગરતી હતી. એ થોડી મિનિટ સુધી બેહોશ જેવી સ્થિતિમાં ઊંહકારા કરતી હતી. પાડોશીનો દરવાજો ખટખટાવીને પછી પાછી બેહોશ થઇ ગઇ. એની સ્થિતિ જોઇને પાડોશી પણ સ્તબ્ધ થઇ ગયા એના ગુપ્તાંગોમાંથી સતત લોહી વહી રહ્યું હતું. એ જોઇને ડરી ગયેલા પાડોશીએ સૌ પ્રથમ પોલીસને જાણ કરી હતી.

પોલીસ તરત ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકીને તરત સંજય ગાંધી હૉસ્પિટલમાં દાખલ કરી હતી જ્યાં એની સ્થિતિ ગંભીર જણાતા એને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીઝ (AIIMS)માં રિફર કરી હતી. એની સ્થિતિ ગંભીર કહેવાય છે.

આ ઘટના બની ત્યારે આ કિશોરી ઘરમાં એકલી હતી. મૂળ બિહારનો આ પરિવાર પીરાગઢીમાં ભાડે રહેતો હતો. ત્રણ માળના આ મકાનમાં નાની નાની પચીસેક ઓરડી છે. એવી એક ઓરડીમાં આ પરિવાર રહે છે. આ કિશોરીના માતા પિતા એક કારખાનામાં મજૂરી કરે છે. એને એક મોટી બહેન પણ છે.

મંગળવારે સાંજે ચારેક વાગ્યે આ ઘટના બની હોય એવું પોલીસ માને છે. AIIMSના ડૉક્ટરોએ એના શરીર પર ઠેર ઠેર ડ્રેસિંગ કર્યું હતું અને ઇજાગ્રસ્ત અંગોમાં ટાંકા લીધા હતા. પોલીસ માને છે કે ગુનેગારો સ્થાનિક હોવા જોઇએ જેમને જાણ હોય કે રોજ આ સમયે આ કિશોરી ઘરમાં એકલી હોય છે.  પોલીસે પોતાની રીતે બાતમીદારો દ્વારા તપાસ શરૂ કરી દીધી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.