MOTN સર્વેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત, PM પદની પહેલી પસંદ

 

8 ટકા મત સાથે રાહુલ ગાંધી બીજી પસંદ જ્યારે 5 ટકા મત સાથે કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધી ત્રીજા ક્રમે

કોંગ્રેસી નેતા રાહુલ ગાંધી ભલે ચીન સાથેના સરહદ વિવાદ અને કોરોનાને લઈ સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરી રહ્યા હોય પરંતુ મૂડ ઓફ ધ નેશન (MOTN) સર્વે પ્રમાણે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા યથાવત જ છે. એટલું જ નહીં તેઓ હજુ પણ ભારતના આગામી વડાપ્રધાન તરીકે સૌથી લોકપ્રિય વિકલ્પ જ છે.

તાજેતરમાં કરવામાં આવેલા મૂડ ઓફ ધ નેશન સર્વેમાં 66 ટકા લોકોનું એવું માનવું છે કે નરેન્દ્ર મોદી ભારતના આગામી વડાપ્રધાન બનવા જોઈએ. મોદી બાદ બીજા ક્રમે રાહુલ ગાંધીનું નામ આવે છે પરંતુ તેઓ 10ના આંકડાને સ્પર્શી નથી શક્યા. જો કે 8 ટકા મત સાથે તેઓ બીજી પસંદ જરૂર છે.

ચોથા ક્રમે અમિત શાહ

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીને વડાપ્રધાન પદ માટે ત્રીજા સૌથી લોકપ્રિય નેતા માનવામાં આવ્યા છે અને તેમને 5 ટકા મત મળ્યા છે. ગૃહ મંત્રી અમિત શાહ આ યાદીમાં ચોથા ક્રમે છે અને તેમને 4 ટકા મત મળ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને અરવિંદ કેજરીવાલ પણ આ યાદીમાં સ્થાન પામ્યા છે અને તેમને બંનેને 3-3 ટકા મત મળ્યા છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને કોંગ્રેસી નેતા પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ આ યાદીમાં જગ્યા મળી છે અને તેમને 2-2 ટકા મત મળ્યા છે.

કેન્દ્રીય મંત્રીઓ નીતિન ગડકરી અને રાજનાથ સિંહ ઉપરાંત મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે, બહુજન સમાજ પાર્ટી (બસપા) પ્રમુખ માયાવતી અને સમાજવાદી પાર્ટી (સપા)ના પ્રમુખ અખિલેશ યાદવ પણ તે ગણતરીના નેતાઓમાં સમાવિષ્ટ છે જેમને લોકોએ આગામી વડાપ્રધાન તરીકે જોવાની વાત કરી છે.

રાહુલ ગાંધીની લોકપ્રિયતા ઘટી

જાન્યુઆરી 2020ના સર્વેક્ષણમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને વડાપ્રધાન તરીકે સૌથી લોકપ્રિય નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. તત્કાલીન વડાપ્રધાન પદ માટે કરવામાં આવેલા સર્વેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી વચ્ચે 40 ટકાનું અંતર હતું. તે સમયે 53 ટકા લોકોએ નરેન્દ્ર મોદીને આગામી વડાપ્રધાન તરીકે પસંદ કર્યા હતા અને માત્ર 13 ટકા લોકોએ રાહુલ ગાંધી દેશના આગામી વડાપ્રધાન બનવા જોઈએ તેમ કહ્યું હતું. જો કે જાન્યુઆરી 2019માં વડાપ્રધાન પદના દાવેદાર માટે કરવામાં આવેલા સર્વેમાં રાહુલ ગાંધીને સૌથી વધારે 52 ટકા મત મળ્યા હતા.

મૂડ ઓફ ધ નેશન સર્વે માટે 12,021 લોકો સાથે વાતચીત કરવામાં આવી હતી જેમાંથી 67 ટકા લોકો ગ્રામીણ અને બાકીના 33 ટકા લોકો શહેરી હતા. સર્વેમાં 19 રાજ્યોની કુલ 97 લોકસભા અને 194 વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવી હતી.

19 રાજ્યોમાં સર્વે

દેશના જે 19 રાજ્યોમાં સર્વે કરવામાં આવ્યો તેમાં આસામ, આંધ્ર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, છત્તીસગઢ, ઝારખંડ, ગુજરાત, કર્ણાટક, કેરળ, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, પંજાબ, રાજસ્થાન, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળ રાજ્યનો સમાવેશ થાય છે. આ સર્વે 15 જુલાઈથી 27મી જુલાઈ વચ્ચે કરવામાં આવ્યો હતો અને તેમાં 52 ટકા પુરૂષ જ્યારે 48 ટકા મહિલાઓએ ભાગ લીધો હતો.

જો ધર્મના માપદંડથી જોઈએ તો સર્વેમાં 86 ટકા હિંદુ, 9 ટકા મુસ્લિમ અને 5 ટકા અન્ય ધર્મના લોકોનો મત જાણવામાં આવ્યો હતો. જે લોકો પર સર્વે કરવામાં આવ્યો તેમાં 30 ટકા સવર્ણ, 25 ટકા એસસી-એસટી અને 44 ટકા અન્ય પછાત વર્ગના લોકો સામેલ હતા. અત્યાર સુધી આ સર્વે પરંપરાગત રીતે સામસામે સાક્ષાત્કાર દ્વારા કરવામાં આવતો હતો પરંતુ આ વખતે કોરોના મહામારીના કારણે સર્વેમાં સામેલ લોકોને ફોન કરીને તેમનો મત જાણવામાં આવ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.