101 સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ, રાજનાથ સિંહ દ્વારા મોટી જાહેરાત

હથિયારોના પ્રોડક્શનને લઈ ઘરેલુ ઉત્પાદન ક્ષમતા વધારવા દર વર્ષે આ પ્રતિબંધોનો વિસ્તાર કરવામાં આવશે તેવી ધારણા

 

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે આજે એક ખૂબ જ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે, સંરક્ષણ મંત્રાલય હવે આત્મનિર્ભર બનવાની પહેલ તરફ આગળ વધવા માટે તૈયાર છે. સંરક્ષણ ઉત્પાદનના સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવા માટે એમઓડી 101થી વધુ વસ્તુઓ પર આયાત એમ્બાર્ગો રજૂ કરશે. રાજનાથ સિંહે જણાવ્યું કે, સંરક્ષણ ક્ષેત્રે ઉત્પાદનને પ્રોત્સાહન આપવામાં આવશે અને તે સંરક્ષણ ક્ષેત્રે ભારતની આત્મનિર્ભરતાની દિશામાં એક મોટું પગલું છે.

લદ્દાખમાં એક્ચ્યુઅલ લાઈન ઓફ કંટ્રોલ (LAC) ખાતે ચીન સાથેના તણાવ વચ્ચે સંરક્ષણ મંત્રીની આ જાહેરાતને ખૂબ જ મહત્વની માનવામાં આવી રહી છે. અગાઉ મંત્રાલયે ટ્વિટ કરીને સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે સવારે 10 કલાકે મહત્વની જાહેરાત કરશે તેમ જણાવ્યું હતું. ત્યાર બાદ સંરક્ષણ મંત્રી ચીનથી આયાતને લઈ નેગેટિવ યાદી સંદર્ભે કોઈ જાહેરાત કરશે તેવી અટકળો થવા લાગી હતી. હથિયારોના પ્રોડક્શનને લઈ ઘરેલુ ઉત્પાદન ક્ષમતા વધારવા દર વર્ષે આ પ્રતિબંધોનો વિસ્તાર કરવામાં આવશે તેવું માનવામાં આવે છે.

ગતિરોધ ચાલુ રહેવાની સંભાવના

સંરક્ષણ મંત્રાલયે ચીન સાથેનો ગતિરોધ ઘણા લાંબા સમય સુધી ચાલુ રહેશે તેવી સંભાવના વ્યક્ત કરી હતી. ભારત અને ચીન વચ્ચે પૈંગોગ સરોવરને લઈ વાતચીત છતા હજુ કોઈ ઉકેલ ન મળ્યો હોવાથી ડિસએન્ગેજમેન્ટને લઈ તણાવ ચાલુ છે.

ભારતીય સંરક્ષણ મંત્રાલયે એક ખૂબ જ અભૂતપૂર્વ પગલું ભરીને ડિસએન્ગેજમેન્ટની પ્રક્રિયા અટકી ગઈ છે તેમ જણાવ્યું હતું. સંરક્ષણ મંત્રાલયે પ્રથમ વખત ચીની ઘૂસણખોરીને અતિક્રમણ તરીકે સ્વીકારીને વેબસાઈટ પર સત્તાવાર જાણકારી આપી હતી. જો કે રાજકીય રીતે વિવાદ વધ્યા બાદ વેબસાઈટ પરથી તે રિપોર્ટ હટાવી લેવામાં આવ્યો હતો.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ થોડા દિવસો પહેલા લદ્દાખની મુલાકાતે ગયા હતા અને તે વખતે ચીન સાથેની હિંસક અથડામણમાં ઘાયલ થયેલા સૈનિકોને મળ્યા હતા. તે પૈકીના અનેક સૈનિકો હવે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે અને પોતાની ફરજ પર પાછા ફર્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.