રામનવમી પર ભૂમિ પૂજન કરીને મંદિર નિર્માણનું કામ શરૂ કરવા અને બે વર્ષ બાદ રામનવમી વખતે મૂર્તિનું અનાવરણ કરી શકાય તે રીતની તૈયારી કરવા નિર્દેશ
નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ પોતાના દેશમાં ભગવાન રામનું ભવ્ય મંદિર બનાવવાની વાત કરી છે. અગાઉ તેમણે ભગવાન રામનું જન્મ સ્થળ નેપાળમાં હોવાનો દાવો કર્યો હતો. ગત મહીને ઓલીએ નેપાળમાં ઠોરી પાસેના અયોધ્યાપુરીમાં ભગવાન રામનું જન્મ સ્થળ હોવાનો દાવો કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ભગવાન રામનું સાચું જન્મ સ્થળ નેપાળમાં જ છે. ભારત સાંસ્કૃતિક અતિક્રમણ દ્વારા ખોટા તથ્યના આધારે ઉત્તર પ્રદેશના અયોધ્યાને રામનું સાચું જન્મ સ્થળ ગણાવી રહ્યું છે.
વડાપ્રધાન ઓલીના આ નિવેદનનો ભારતમાં ખૂબ જ વિરોધ થયો હતો. નેપાળમાં પણ રાજકીય દળો અને સામાન્ય જનતાએ તેમના આ નિવેદનનો વિરોધ કર્યો હતો. ખુદ ઓલીની પાર્ટીના નેતાઓએ પણ તેમના આ નિવેદનનો વિરોધ કર્યો હતો. તેમ છતા વડાપ્રધાન ઓલી પોતાની આ વાત પર અડગ રહ્યા હતા અને હવે તેમણે તે સ્થળે ભવ્ય રામ મંદિરના નિર્માણની તૈયારી કરવા નિર્દેશ આપ્યો છે.
નેપાળી સરકારી સમાચાર એજન્સીના અહેવાલ પ્રમાણે વડાપ્રધાન ઓલીએ ફોન કરીને ઠોરી અને માડીના સ્થાનિક જનપ્રતિનિધિઓને કાઠમંડુ બોલાવીને ભગવાન શ્રીરામની જન્મ ભૂમિ પર ભવ્ય મંદિર બનાવવા તમામ આવશ્યક તૈયારીઓ કરવા નિર્દેશ આપ્યો છે. વડાપ્રધાને ઠોરી પાસેની માડી નગરપાલિકાનું નામ બદલીને અયોધ્યાપુરી કરવા કહ્યું છે. ઉપરાંત આસપાસની જગ્યાઓનું અધિગ્રહણ કરીને અયોધ્યા તરીકે વિકસિત કરવા, રામના જન્મ સ્થળે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવા અને રામ-સીતા, લક્ષ્મણની મોટી પ્રતિમા સ્થાપિત કરવા કહ્યું છે.
રાષ્ટ્રીય સમાચાર સમિતિના અહેવાલ પ્રમાણે વડાપ્રધાન ઓલીએ આ દશેરાએ રામનવમીના અવસર પર ભૂમિ પૂજન કરીને મંદિર નિર્માણનું કામ શરૂ કરવા અને બે વર્ષ બાદ ફરી રામનવમી વખતે મૂર્તિનું અનાવરણ કરી શકાય તે રીતે કામને આગળ વધારવા જણાવ્યું હતું. નેપાળ સરકારે મંદિર નિર્માણ માટે આર્થિક સહયોગનું આશ્વાસન પણ આપ્યું છે. વડાપ્રધાન ઓલીએ જણાવ્યું કે, અયોધ્યાપુરીની સાથે સાથે રામાયણ સાથે સંકળાયેલા આસપાસના ક્ષેત્રોને પણ વિકસિત કરવામાં આવશે. તેમણે માડી પાસે આવેલા વાલ્મિકી આશ્રમ, સીતાના વનવાસ વખતના જંગલ, લવકુશનું જન્મ સ્થળ વગેરે ક્ષેત્રોને પણ વિકસિત કરવા જણાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.