કોરોના સંકટ વચ્ચે 8.5 કરોડ ખેડૂતોને ભેટ, PM મોદીએ આપ્યા 17,000 કરોડ રૂપિયા

ખેડૂતો તાજી શાકભાજી ઉગાડવાની દિશામાં આગળ વધશે, પશુપાલન અને મત્સ્યપાલન તરફ પ્રોત્સાહિત થશે તેથી ઓછી જમીનમાં વધારે આવકના રસ્તા ખુલશે

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે એગ્રિકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત નાણાંકીય સુવિધાઓની જાહેરાત કરી હતી. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી પીએમ-કિસાન યોજનાની વિવિધ સુવિધાઓની જાહેરાત કરી હતી. આ સાથે જ વડાપ્રધાને વર્ચ્યુઅલ કાર્યક્રમમાં એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ અંતર્ગત 8.5 કરોડ કરતા વધારે ખેડૂતો માટે 17,000 કરોડ રૂપિયાની રાશિ ફાળવી છે.

વડાપ્રધાને કહ્યું કે, આજે હળષષ્ટી છે, ભગવાન બલરામની જયંતી છે. તમામ દેશવાસીઓને, ખાસ કરીને ખેડૂત સાથીઓને હલછઠની, દાઉ જન્મોત્સવની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હલષષ્ટી અને ભગવાન બલરામની જયંતિના અત્યંત પાવન અવસર પર દેશમાં ખેતી સાથે સંકળાયેલી સુવિધાઓ તૈયાર કરવા એક લાખ કરોડ રૂપિયાનું વિશેષ ફંડ લોન્ચ કરવામાં આવ્યું છે.

ખેડૂતોના ખાતામાં રાશિ ટ્રાન્સફર

વડાપ્રધાને જણાવ્યું કે, 8.5 કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ તરીકે 17,000 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરતા મને ખૂબ જ સંતોષ અનુભવાઈ રહ્યો છે. સંતોષ એ વાતનો છે કે આ યોજનાનું જે લક્ષ્ય હતું તે હાંસલ થઈ રહ્યું છે. છેલ્લા દોઢ વર્ષમાં આ યોજનાના માધ્યમથી 75,000 કરોડ રૂપિયા સીધા ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ ગયા છે. તેમાંથી 22,000 કરોડ રૂપિયા તો કોરોનાના કારણે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું તે દરમિયાન જ ખેડૂતો સુધી પહોંચી ગયા છે.

યોજનાના શુભારંભ પર વડાપ્રધાને જણાવ્યું કે, આ યોજનાથી ગામડાઓમાં ખેડૂતોના જૂથોને, કિસાન સમિતિઓને, FPOsને વેરહાઉસ બનાવવા, કોલ્ડ સ્ટોરેજ બનાવવા, ફુડ પ્રોસેસિંગ સાથે જોડાયેલા ઉદ્યોગો લગાવવા 1 લાખ કરોડ રૂપિયાની મદદ મળશે. પહેલા e-NAM દ્વારા એક ટેક્નોલોજી આધારીત મોટી વ્યવસ્થા બનાવવામાં આવી. હવે કાયદો બનાવીને ખેડૂતોને બજારના ક્ષેત્રમાંથી અને બજાર ટેક્સના ક્ષેત્રમાંથી મુક્ત કરી દેવામાં આવ્યા.

ખેડૂતો પાસે હવે અનેક વિકલ્પ

વડાપ્રધાને જણાવ્યું કે હવે ખેડૂતો પાસે અનેક વિકલ્પ છે. જો તેઓ પોતાના ખેતરમાંથી જ ઉપજનો સોદો કરવા માંગે તો પણ કરી શકશે. અથવા તો સીધું વેરહાઉસથી e-NAM સાથે સંકળાયેલા વેપારીઓ અને સંસ્થાઓ, જે વધુ ભાવ આપે તેમની સાથે પાકનો સોદો કરી શકશે. આ કાયદાનો ઉપયોગ કરતા દુરૂપયોગ વધુ થયો છે. તેનાથી દેશના વેપારીઓ, રોકાણકારોને ડરાવવાનું કામ વધું થયું છે. હવે આ ભયના તંત્રમાંથી પણ ખેતી સાથે સંકળાયેલા વેપારને મુક્ત કરી દેવામાં આવ્યો છે.

વડાપ્રધાને જણાવ્યું કે હવે આપણે એ સ્થિતિ તરફ આગળ વધી રહ્યા છીએ જ્યાં ગામના કૃષિ ઉદ્યોગોમાંથી ફુડ આધારીત ઉત્પાદનો શહેર જશે અને શહેરોમાંથી બીજો ઔદ્યોગિક સામાન બનીને ગામમાં આવશે. આ જ તો આત્મનિર્ભર ભારત અભિયાનનો સંકલ્પ છે જેના માટે આપણે કામ કરવાનું છે. બે દિવસ પહેલા જ દેશના નાના ખેડૂતો સાથે સંકળાયેલી એક બહુ મોટી યોજનાની શરૂઆત કરવામાં આવી છે જેનો આગામી સમયમાં આખા દેશને ભારે મોટો લાભ મળશે. દેશની પ્રથમ ‘કિસાન રેલ’ મહારાષ્ટ્ર અને બિહાર વચ્ચે શરૂ થઈ ગઈ છે.

રોજગાર-સ્વરોજગારના અવસર વધશે

વડાપ્રધાને જણાવ્યું કે, હવે જ્યારે દેશના મોટા શહેરો સુધી નાના ખેડૂતોની પહોંચ વધી છે તો તેઓ તાજી શાકભાજી ઉગાડવાની દિશામાં આગળ વધશે, પશુપાલન અને મત્સ્યપાલન તરફ પ્રોત્સાહિત થશે. તેનાથી ઓછી જમીનમાં વધારે આવકના રસ્તા ખુલશે, રોજગાર અને સ્વરોજગારના અનેક નવા અવસરો ખુલશે. જેટલા પણ પગલા ભરાઈ રહ્યા છે તેનાથી 21મી સદીમાં દેશના ગ્રામીણ અર્થતંત્રની તસવીર બદલાશે, કૃષિ આવકમાં અનેકગણો વધારો થશે. હાલ લેવાનારા દરેક નિર્ણયો ભવિષ્યમાં ગામથી નજીક વ્યાપક રોજગાર તૈયાર કરશે. આ આપણા ખેડૂતો જ છે જેમણે લોકડાઉન દરમિયાન દેશને ખાવા-પીવાની સમસ્યા ન થવા દીધી. દેશમાં જ્યારે લોકડાઉન હતું ત્યારે આપણા ખેડૂતો ખેતરમાં પાક વાઢી રહ્યા હતા અને વાવણીના નવા રેકોર્ડ બનાવી રહ્યા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.