સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મુદ્દે ચિદંબરમનો કટાક્ષ- જાહેરાત ફક્ત એક શબ્દજાળ

‘સંરક્ષણ મંત્રીએ રવિવારે સવારે ‘ધમાકેદાર’ ઘોષણાની વાત કરી અને તેમની જાહેરાત ‘ગણગણાટ’ સાથે સમાપ્ત થઈ ગઈ’

 

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદંબરમે સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધની જાહેરાતને લઈ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પર નિશાન સાધ્યું છે. ચિદંબરમે જણાવ્યું કે, સંરક્ષણ મંત્રીએ રવિવારે સવારે ‘ધમાકેદાર’ ઘોષણાની વાત કરી અને તેમની જાહેરાત ‘ગણગણાટ’ સાથે સમાપ્ત થઈ ગઈ.

પી. ચિદંબરમે ટ્વિટ કરી હતી કે, ‘કોઈ પણ આયાત પરનો પ્રતિબંધ હકીકતમાં પોતાના પરનો પ્રતિબંધ છે. સંરક્ષણ મંત્રીએ પોતાની ઐતિહાસિક રવિવારની જાહેરાતમાં જે કહ્યું તે ફક્ત કાર્યાલયને લગતા આદેશને લાયક હતું જેને મંત્રીના સચિવ જાહેર કરી શકેત. આયાત પરનો પ્રતિબંધ માત્ર એક શબ્દજાળ છે. તેનો અર્થ છે કે આપણે 2થી 4 વર્ષમાં એક જ ઉપકરણ બનાવવા પ્રયત્ન કરીશું (જેને આપણે આજે આયાત કરીએ છીએ) અને ત્યાર બાદ આયાત બંધ કરી દઈશું.’

ઉલ્લેખનીય છે કે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે એમ કહ્યું હતું કે, સંરક્ષણ મંત્રાલય હવે આત્મનિર્ભર ભારતની પહેલ તરફ ઝડપથી આગળ વધવા તૈયાર છે. સરકાર દેશમાં સંરક્ષણ સંબંધી નિર્માણને પ્રોત્સાહન આપવા માટે 101 સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મુકશે. આ સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મુકવાથી ભારતીય સંરક્ષણ ઉદ્યોગને હથિયારોના નિર્માણ માટે મોટા અવસરો મળશે.

સંરક્ષણ મંત્રીએ જણાવ્યું કે, આ સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મુકવાની યોજનાને 2020થી 2024 દરમિયાન ધીમે ધીમે તબક્કાવાર રીતે લાગુ કરવામાં આવશે. અન્ય સંરક્ષણ ઉપકરણોની આયાત પરના પ્રતિબંધને પણ તબક્કાવાર રીતે ચિહ્નિત કરવામાં આવશે.

હકીકતમાં ભારત અસોલ્ટ રાઈફલ, આર્ટિલરી ગન, રડાર અને હળવા જંગી હેલિકોપ્ટર જેવા સંરક્ષણ ઉપકરણોને બીજા દેશોમાંથી આયાત કરતું હતું. પરંતુ સંરક્ષણ ક્ષેત્રે આત્મનિર્ભરતા તરફ વધુ એક મજબૂત પગલું ભરતા ભારતે 101 સંરક્ષણ ઉપકરણોની આયાત પર પ્રતિબંધ મુકી દીધો છે. ભારત હવે પોતાની જરૂરિયાતના આ સામાન અને હથિયારોનું જાતે જ ઉત્પાદન કરશે. કેન્દ્ર સરકાર દ્વારા ઘોષિત કરવામાં આવેલો આ પ્રતિબંધ તબક્કાવાર રીતે ડિસેમ્બર 2025 સુધી લાગુ રહેશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.