વિવાદોનું કેન્દ્ર બનેલું ગઢડાનું ગોપીનાથજી મંદિર ફરી એક વાર વિવાદમાં સપડાયું છે. મંદિરના પાટોત્સવ પહેલાં દેવ પક્ષ અને આચાર્ય પક્ષની સાંખ્યયોગિની બહેનો વચ્ચે ઓરડાઓને લઈને વિવાદ થયો છે. મંદિરના પાટોત્સવની મુલાકાતે રાકેશપ્રસાદ આવે તે પહેલાં જ મંદિરમાં ધમાલ થઈ છે. આચાર્ય પક્ષની બહેનોએ ભગવાનના ઓરડાને તાળા મારી દીધા હતા જેને તોડવાની ફરજ પડી હતી.
ગઢડા મંદિરમાં આવતીકાલે પાટોત્સવ છે. વડતાલ મંદિરના ગાદીપતિ રાકેશપ્રસાદ કાલે ગઢડા મંદિરે આવવાના છે તેના પહેલાં આચાર્ય પક્ષની સાંખ્યોગિની બહેનોએ ભગવાનના ઓરડાને તાળા મારી દેતાં વિવાદ થયો છે. દેવ પક્ષ દ્વારા મંદિરના તાળા તોડવામાં આવ્યા છે.
આ ઘટના બાદ દેવ પક્ષ દ્વારા તાળું તોડી અન્ય તાળું મારી દેવામાં આવ્યું હતું. દેવ પક્ષની બહેનોએ મંદિરની ઑફિસમાં પહોંચી અને ધમાલ કરી હતી. બનાવની જાણ થતાં મંદિરના પ્રસાશન દ્વારા પોલીસ બોલાવવામાં આવી હતી. પોલીસની હાજરીથી મામલો સમેટાયો હોવાના અહેવાલ છે.
ભક્તિ અને આસ્થાના કેન્દ્રબિંદુ ગણાતા આ મંદિરમાં અવારનવાર વિવાદો થાય છે. દેવ અને આચાર્ય પક્ષ વચ્ચેની મંદિરની સત્તાની ખેંચતાણથી મંદિર વિવાદમાં આવે છે. આ બનાવોના કારણે ભક્તોની આસ્થાને પણ ઠેંસ પહોંચતી હોય છે તેવામાં મંદિરના વરિષ્ઠ સંતો આગળ આવી અને આ પ્રકારની સમસ્યાઓનો નિવેડો લાવે તે અનિવાર્ય બન્યું છે. જોકે, આ મામલે પોલીસની દરમિયાનગીરી બાદ સમાધાન થયું હોવાના અહેવાલ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.