કોરોના વેક્સિન કોઈ જાદુઈ ગોળી નહીં હોય કે તે વાયરસને એક ઝટકામાં ખતમ કરી દે: WHO

કોરોના વાયરસના કહેરનો સામનો કરી રહેલી દુનિયાને આગામી થોડા મહિનામાં વેક્સિન આવવાની આશા જાગી છે. તો વિશ્વ આરોગ્ય સંગઠન (WHO)એ ચેતવણી જારી કરતા કહ્યું કે, આ વેક્સિન કોઈ જાદુઈ ગોળી નહીં હોય કે તે કોરોના વાયરસને એક ઝટકામાં ખતમ કરી દેશે. ડબ્લ્યૂએચઓના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એડહોમ ઘેબ્યેયિયસે કહ્યુ કે, આપણે લાંબો રસ્તો કાપવાનો છે તેથી બધાએ સાથે મળીને પ્રયાસ કરવા પડશે.

અમેરિકાના સંક્રમિત રોગ નિષ્ણાંત ડો. એન્થોની સ્ટીફન ફોસીના વરિષ્ઠ સલાહકાર ડેવિડ મારેન્સે કહ્યુ કે, વેક્સિન બનાવવાના દરેક પ્રયાસ એક અંધ પરીક્ષણ જેવો હોય છે. જે શરૂઆતમાં તો સારા પરિણામોની સાથે આવે છે, પરંતુ તેની કોઈ ગેરંટી હોતી નથી કે અંતિમ તબક્કામાં પણ વેક્સિન પોતાની ટ્રાયલ દરમિયાન સફળ સાબિત થશે. અમે આશા કરીએ કે પ્રથમવારમાં જ અમે તેને સાચી સાબિત કરી શકીએ અને 6થી 12 મહિનાની અંદર આપણી પાસે એક વેક્સિન હશે.

અમેરિકામાં જોર્જ વોશિંગ્ટન વિશ્વ વિદ્યાલયના મિલકેન ઇન્સ્ટીટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થમાં વૈશ્વિક આરોગ્યનાં સહાયક પ્રોફેસર વેક્સીનોલોજિસ્ટ જોન એન્ડ્રસે પણ કહ્યું કે, કોરોના વાયરસની એક પ્રભાવી રસીનો વિકાસ એટલો ચોક્કસ નથી જેટલો આપણે વિચારી રહ્યાં છીએ. આ ખતરનાક છે કે વેક્સિન બનાવવાની રેસમાં આપણે તે ભૂલી જઈએ કે આ સમયે શું કરવું જોઈએ.

વિશ્વભરમાં રશિયાની  કોરોના વેક્સિન પર ઉઠતા સવાલો વચ્ચે રશિયાનાં આરોગ્ય પ્રધાન મિખાઇલ મુરાશ્કોએ કહ્યુ છે કે રશિયાની વેક્સિન ટ્રાયલમાં સફળ રહી છે અને હવે ઓક્ટોબર મહિનાથી દેશમાં વ્યાપક સ્તરે લોકોને રસીકરણનું કામ શરૂ થશે. તેમણે કહ્યું કે, આ વેક્સીનને લગાવવાનો બધો ખર્ચ સરકાર ભોગવશે. તો ડેપ્યુટી આરોગ્ય પ્રધાન ઓલેગ ગ્રિદનેવે કહ્યુ કે, રશિયા 12 ઓગસ્ટે દુનિયાની પ્રથમ કોરોના વાયરસ વેક્સિન રજીસ્ટર કરાવશે.

આ પહેલા રશિયાએ કહ્યું હતું કે તેની કોરોના વાયરસ વેક્સિન ક્લિનિકલ ટ્રાયલમાં 100 ટકા સફળ રહી છે. આ વેક્સિનને રશિયાનાં સંરક્ષણ મંત્રાલય અને ગમલેયા નેશનલ સેન્ટર ફોર રિસર્ચે તૈયાર કરી છે. રશિયાએ કહ્યું કે, ક્લિનિકલ ટ્રાયલમાં જે લોકોને આ કોરોના વેક્સિન લગાવવામાં આવી, તે બધામાં  SARS-CoV-2  પ્રત્યે રોગ પ્રતિકારક ક્ષમતા જોવા મળી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.