બરાક ઓબામાએ પોતાના બીજા કાર્યકાળ દરમિયાન 2014ના વર્ષમાં આ પ્રોગ્રામ પર હસ્તાક્ષર કર્યા હતા
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હંમેશા પ્રેસ કોન્ફરન્સ દરમિયાન થતા વિવાદોને લઈ ચર્ચામાં રહે છે. તાજેતરના કિસ્સામાં રવિવારે જ્યારે તેમનું જુઠાણું પકડાઈ ગયું તો તેઓ પ્રેસ કોન્ફરન્સ વચ્ચેથી જ છોડીને ભાગ્યા હતા.
ન્યૂ જર્સીના ગોલ્ફ ક્લબમાં રવિવારે એક કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે ઓબામાના કાર્યકાળ દરમિયાન પાસ થયેલા હેલ્થ કેર પ્રોગ્રામને પોતાની ઉપલબ્ધિ ગણાવી હતી અને તેના વખાણ કરી રહ્યા હતા. તે સમયે એક રિપોર્ટરે તેમને વચ્ચે ટોક્યા એટલે તેઓ નારાજ થઈને પ્રેસ કોન્ફરન્સ પૂરી કર્યા વગર જ ત્યાંથી નીકળી ગયા હતા. એક અહેવાલ પ્રમાણે ટ્રમ્પ આ પ્રોગ્રામને લઈ 150 કરતા પણ વધારે વખત ખોટું બોલી ચુક્યા છે.
હેલ્થ કેર પ્રોગ્રામનું જુઠાણું પકડાયું
અમેરિકી રાષ્ટ્રપતિએ કરેલા દાવા પ્રમાણે તેમણે નિવૃત્ત કર્મચારીઓ માટે હેલ્થ કેર પ્રોગ્રામ (વેટેરન્સ ચોઈસ પ્રોગ્રામ) પાસ કર્યો છે. લોકો અનેક દશકાથી આ પ્રોગ્રામ પાસ થાય તેની રાહ જોઈ રહ્યા હતા પરંતુ કોઈ રાષ્ટ્રપતિએ તેને પાસ કરવામાં દિલચસ્પી ન બતાવી. પરંતુ તેમના (ટ્રમ્પના) પ્રશાસને તેને પસાર કરીને બતાવ્યું.
ટ્રમ્પના આ દાવા મામલે ન્યૂઝ રિપોર્ટર પાઉલા રેડે તેમને સવાલ કર્યો હતો કે, ‘તમે સતત એવું શા માટે કહો છો કે તમે જ આ હેલ્થ કેર પ્રોગ્રામ પાસ કર્યો છે? તેને 2014માં પાસ કરવામાં આવ્યો હતો અને તે સમયે બરાક ઓબામા રાષ્ટ્રપતિ હતા. આ નિવેદનો ખોટા છે.’
રિપોર્ટના આ સવાલ બાદ ટ્રમ્પ ઉશ્કેરાઈ ગયા હતા અને થોડો સમય અટક્યા બાદ તેઓ ‘ઓકે, તમારા બધાનો ખૂબ આભાર’ એમ કહીને પ્રેસ કોન્ફરન્સ વચ્ચેથી જ છોડીને જતા રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.