પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ ફરી એકવાર લૉકડાઉનની તારીખોમાં ફેરફાર જાહેર કરતાં કોંગ્રેસ અને ભાજપ સહિતના વિરોધ પક્ષોએ જોરદાર વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા પંદર દિવસમાં મમતાએ સતત ચોથીવાર લ઼ૉકડાઉનની તારીખોમાં ફેરફાર કર્યા હતા.
અગાઉ પાંચમી ઑગષ્ટે અયોધ્યામાં વડા પ્રધાને રામ મંદિરની જમીનનું ભૂમિપૂજન કર્યુ ત્યારે પણ મમતાએ ઓચિંતી જાહેરાત કરીને રાજ્યમાં લૉકડાઉન જાહેર કર્યું હતું. ભાજપે વિરોધ પ્રદર્શિત કરવા વિરોધયાત્રા કાઢી ત્યારે પોલીસ સાથે અથડામણ થઇ હતી. આ વખતે ફરી એકવાર મમતાએ 28 ઑગષ્ટે લૉકડાઉન હટાવવાની જાહેરાત કરી હતી. ભાજપે એવો આક્ષેપ કર્યો હતો કે ચોક્કસ કોમના લોકોને રાજી રાખવા આ નિર્ણય કરાયો હતો. 28 ઑગષ્ટે શુક્રવાર છે એટલે ચોક્કસ કોમના લોકોની સગવડ ધ્યાનમાં રાખીને મમતાએ આ નિર્ણય કર્યો હતો.
કોંગ્રેસી પ્રવક્તાએ કહ્યું હતું કે મમતાએ લૉકડાઉન લગાવતાં પહેલાં ટોચના ડૉક્ટરો સાથે વાત કરી લેવી જોઇએ. વારંવાર લૉકડાઉનનો નિર્ણય બદલવાથી કોરોના માટેના હેતુને પ્રતિકૂળ અસર થતી હતી એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો.
પશ્ચિમ બંગાળના મુખ્ય સચિવ રાજીવ સિંહાએ બુધવારે એવી જાહેરાત કરી હતી કે અગાઉ 27 અને 28 ઑગષ્ટે લૉકડાઉન જાહેર કરાયો હતો. પરંતુ હવે 28મીએ સંપૂર્ણ લૉકડાઉન નહીં રહે. આ માટે એવું કારણ આગળ કરવામાં આવ્યું હતું કે બેંકીંગ, વેપાર ઉદ્યોગ અને વહીવટી કામકાજમાં બે દિવસના લૉકડાઉનથી પ્રતિકૂળ અસર થવાન શક્યતા હોવાથી 28મીએ સંપૂર્ણ લૉકડાઉન નહીં રહે. ત્યારબાદ 31મી ઑગષ્ટે સોમવારે સંપૂર્ણ લૉકડાઉન રહેશે.
આ માસની શરૂઆતમાં એવો નિર્ણય જાહેર કરાયો હતો કે આ માસમાં પાંચ દિવસનો લૉકડાઉન રહેશે પરંતુ પાછળથી એવી જાહેરાત કરાઇ હતી કે હવે લૉકડાઉન ચાર દિવસનો રહેશે. આમ મમતા વારંવાર લૉકડાઉનની તારીખોમાં મનસ્વીપણે ફેરફાર કરતા રહ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.