કોંગ્રેસ પક્ષના મહામંત્રી પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે પક્ષ પ્રમુખ અમારા ગાંધી પરિવારમાંથી ન હોવા જોઇએ. અગાઉ પક્ષના વરિષ્ઠ મનાતા નેતા રાહુલ ગાંધીએ આ અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. પ્રિયંકાએ પોતાના ભાઇના વિધાનને સમર્થન આપ્યું હતું.
પ્રિયંકાએ કહ્યું કે હું રાહુલ ગાંધીના એ વિધાન સાથે સંમત છું કે પક્ષ પ્રમુખ ગાંધી પરિવારની બહારની કોઇ વ્યક્તિ હોવી જોઇએ. મને લાગે છે કે હવે પક્ષે પોતાનો સ્વતંત્ર માર્ગ પસંદ કરી લેવો જોઇએ. શું કોંગ્રેસ પક્ષ ભાજપ સામેની લડાઇમાં હારી ગયો છે એવો સવાલ પૂછવામાં આવતાં પ્રિયંકાએ કહ્યું કે કોંગ્રેસ પક્ષે નવા મિડિયા (સોશ્યલ મિડિયા)ને સમજવા-પારખવામાં ભૂલ કરી હતી. કોંગ્રેસે સોશ્યલ મિડિયા પર પોતાના વિચારો રજૂ કરવાની શરૂઆત કરી ત્યારે ઘણું મોડું થઇ ચૂક્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે ગાંધી પરિવાર સિવાયની કોઇ વ્યક્તિ પક્ષપ્રમુખ બનશે તો એના આદેશ મુજબ કામ કરવાની અમારી તૈયારી છે.
રાહુલ અને પ્રિયંકા ગાંધીના આ વિધાનો અંગે પ્રતિભાવ આપતાં કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રવક્તા સંજય ઝાએ કહ્યું કે મેં આ વિચાર રજૂ કર્યો ત્યારે મને પક્ષવિરોધી ગણીને મારી સામે શિસ્તભંગનાં પગલાં લેવામાં આવ્યાં હતાં અને મને સસ્પેન્ડ કરાયો હતો.
આ મહાન પક્ષને ફરી ચેતનવંતો બનાવવા બિનગાંધી અધ્યક્ષની જરૂર છે. એમાં મેં ખોટું શું કહ્યું હતું કે મને સજા કરવામાં આવી ? સંજય ઝાએ આજે સવારે કરેલી આ ટ્વીટની તરફેણમાં સોશ્યલ મિડિયાના ઘણા ઉપયોગકર્તા દ્વારા સમર્થન મળ્યું હતું.
જો કે રાજકીય પંડિતો માને છે કે ગાંધી પરિવાર વિના કોંગ્રેસનો ઉદ્ધાર નથી. અત્યારે ગાંધી પરિવાર સાથે હોવા છતાં લોકસભાની અને વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષ ધાર્યાં પરિણામો ન મેળવી શક્યો તો ગાંધી પરિવાર વિનાનો કોંગ્રેસ પક્ષ શું કરી શકવાનો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.