ઘરના દરેક ખંડોમાં રોજ સાવરણીથી સફાઈ થતી હોય. પરંતુ એક ખંડ બિલકુલ સાફ જ ન થતો હોય તો ? તો એ ખંડ અવાવરુ બની જઈ ખૂબ મલિન-ધૂળગ્રસ્ત બની જાય… વસ્ત્ર ધોતાં એક વસ્ત્ર સરતચૂકથી પાણી ભરેલ બાલ્દીમાં જ રહી જાય અને દિવસો સુધી એને નિચોવી સુકવવામાં ન આવે તો ? તો એ વસ્ત્ર સતત પાણીવાળું રહી ગંધાઈ જાય.
જેમ ખંડ ધૂળગ્રસ્ત ન રહે તે માટે એમાંથી કચરો દૂર કરવો જરૂરી છે, વસ્ત્ર દુર્ગંધગ્રસ્ત ન બને તે માટે એમાંથી પાણી દૂર કરવું જરૂરી છે; તેમ આત્મા દોષગ્રસ્ત-કષાયગ્રસ્ત ન બને તે માટે એમાંથી ક્રોધ-આવેશ દૂર કરવો ખૂબ જરૂરી છે. પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વ એટલે જ ક્ષમાપનામા મહાન આદર્શ લઇ આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે. પર્યુષણાનો પહેલો પાઠ એ છે કે વેર ઝેરની ગાંઠ છોડો. જેમની જેમની સાથે. વૈર-વિરોધ-અબોલા થયા હોય તે તમામની સાથે બાર માસાંતે તો ક્ષમાપના કરી ચિત્તના ચોપડા ચોક્ખા કરી લેવા જ જોઇએ એ પર્યુષણાની પ્રબળ-પ્રખર પ્રેરણા છે.
એ પ્રેરણા બરાબર આત્મસાત્ થાય તે માટે, શ્રી તત્ત્વાર્થશાસ્ત્રના નવમા અધ્યાય ‘ઉત્તમક્ષમા’. સૂત્રના ભાષ્ય પંક્તિના આધારે આપણે પ્રતિપર્યુષણાએ ક્ષમાપના અંગે ચિંતન છેલ્લા પાંચ વર્ષ કરીએ છીએ. આજે એ ચિંતનયાત્રામાં, ભાષ્યગત અંતિમ અને છટ્વી પંક્તિનો આધાર લઇએ. ત્યાં તત્ત્વાર્થભાષ્યમાં ક્ષમા આત્મસાત્ કરવાનો છઠ્ઠો ઉપાય આ શબ્દોમાં દર્શાવાયો છે કે ‘ક્ષમાગુણાંશ્ચાવાયાસાદીનનુસ્મૃત્ય ક્ષમિતવ્યમેવ’. ભાવાર્થ કે સ્વસ્થતા વગેરે ક્ષમાલાભોનું સ્મરણ કરીને શાંત જ રહેવું – ક્ષમાપના કરી જ લેવી. જરા વિસ્તાર કરીએ આપણે આ વિધાનનો.
એક બાબત આપણા સહુના અનુભવની એ છે કે આપણે શાંતિથી આપણું કાર્ય કર્યે જતા હોઈએ અને ત્યાં આવીને કોઈ વિરોધી-દ્વેષી વ્યક્તિ બૂમાબૂમ કરવા માંડે, એલફેલ શબ્દોથી આપણને ઉતારી પાડે તો આપણે પણ એ સમયે આવેશગ્રસ્ત થઇ જઇએ. આવેશ આવવાથી આપણી શાંતિ-સ્વસ્થતા ગાયબ થઇ જાય અને આપણે પણ તેવી જ ઉગ્રતા-બૂમાબૂમ-એલફેલ શબ્દોથી પ્રતિભાવ આપવા માંડીએ. હવે ધારો કે એવી પરિસ્થિતિમાં આપણે કોઈ પણ ભોગે ક્ષમાશીલ રહેવા અંગે સંકલ્પબદ્ધ હોઈએ તો ? તો આપણે સ્વસ્થતા અકબંધ રાખી ઉગ્રતા-બૂમાબૂમ એલફેલ શબ્દોથી દૂર રહીએ.
ક્ષમાનો મહાન લાભ એક આ છે કે ઉગ્ર પરિસ્થિતિમાં આપણને સ્વસ્થ રાખે. આ સ્વસ્થતાનાં કારણે (૧) અસભ્ય-્વિવેકી શબ્દો ન પ્રગટે (૨) ભાવિમાં પસ્તાવો થાય તેવા ગલત પગલાં ન ભરાઈ જાય (૩) આસપાસની ઉપસ્થિત વ્યક્તિઓ પર આપણી સારી છાપ ઊપસે (૪) સંકલેશજન્ય તીવ્ર કર્મબંધ ન થાય (૫) મનમાં વ્યગ્રતા-અશાંતિ-અપ્રસન્નતા ન વ્યાપે વગેરે ઘણા ઘણા લાભો થાય. ક્ષમાજન્ય સ્વસ્થતા એક અને એના લાભો આવા આવા અનેક ! આ પૈકીના માત્ર એક જ લાભને દ્રષ્ટાંતનાં દર્પણમાં નિહાળવો છે ? તો વાંચો આ મજાની
ઘટના:
નેવું ટકા વિરોધી વર્ગ જ્યાં હાજર હતો એવી સભામાં એક સંત પોતાની માન્યતાઓને સિદ્ધ કરતું પ્રવચન આપવા ગયા હતા. કટાક્ષ વિનાની વાણી, શાંત-સ્વસ્થ અભિગમ અને હૈયાંસોંસરવા ઊતરી જાય એવા સચોટ તકો સાથે એમનું પ્રવચન જામતું ગયું. સભાનો પ્રતિભાવ જે રીતે વધતો ગયો એ જોતાં એમાંની સૌથી કટ્ટર-હાડોહાડ વિરોધી બે-ત્રણ મિત્રોના પેટમાં તેલ રેડાયું કે ‘આમાં તો વિરોધી લોકો ‘કન્વર્ટ’ થઇ સંતની તરફેણમાં થઇ રહ્યા છે. અર્ધો કલાકના પ્રવચનમાં પચાસ ટકા ઊપરનો વર્ગ તરફેણમાં આવી રહ્યો છે, તો પ્રવચન પૂર્ણ થતાં સુધીમાં આપણા ત્રણ સિવાયની પૂરી સભા સંતની તરફેણમાં થઇ જશે. આવું ન બનવા દેવું હોય તો કોઈ પણ રીતે સંતને એવા ‘ડીસ્ટર્બ’ કરી દેવા જોઇએ કે એમની પ્રવચનની ધારા જ સમૂળગી બગડી જાય.’
યોજના બનાવીને એમાંના એક યુવાને ચાલુ સભામાં ઊભા થઇ જઈ સંતને ઉગ્ર ભાષામાં પડકાર્યોે કે ‘આ બધી સુફિયાણી વાતો રહેવા દો. અમને ખબર છે કે તમારી મા કોણ હતી ? એવા વ્યભિચારો એણે કર્યા હતા કે એ વેશ્યાને ય સારી કહેવડાવે. તમારી ઔકાત આ છે અને અત્યારે અહીં ઉપદેશો આપવા મંડી પડયા છો.’ સમગ્ર સભામાં સન્નાટો છવાઈ ગયો કે જાહેરમાં આવા ગલીચ આક્ષેપ ? ચોક્કસ સંત હવે એની ખબર લઇ નાંખશે. એક ક્ષણ ખામોશ રહી સંત પૂરી સ્વસ્થતાથી બોલ્યા: ‘તું કહે છે એ જો સાચું હોય તો મારી પ્રાર્થના છે કે ભગવાન મારી માતાને માફ કરે અને જો તું કહે છે એ ખોટું હોય તો મારી પ્રાર્થના છે કે ભગવાન તને માફ કરે ?’ આ ગજબનાક સ્વસ્થ ઉત્તર સાંભળીને સભાનો બાકીનો વિરોધ વર્ગ ત્યાં જ સંતની તરફેણનો થઇ ગયો. સ્વસ્થ-શાંત અભિગમથી સૌનાં ચિત્ત પર ઊપસેલી સારી છાપની આ કમાલ હતી..
તત્ત્વાર્થભાષ્યકાર ભગવંતે ભાષ્યમાં ક્ષમાના લાભરૂપે સ્વસ્થતા (અનાયાસ) ગુણનો નિર્દેશ સ્પષ્ટાક્ષરૂપે કર્યો છે. ઊપરાંત ત્યાં ‘આદિ’ શબ્દ પણ લખ્યો છે. એટલે સ્વસ્થતાની જેમ અન્ય પણ અનેક ગુણોનો લાભ એનાથી થાય એવું કથન ભાષ્યાકારનું છે. હવે આપણે વિચારીએ એ ગર્ભિતપણે સૂચવાયેલ અનેક ગુણોમાંથી એક ગુણ. એનું નામ છે ‘ભૂલનો સ્વીકાર.’
જે વ્યક્તિ ક્રોધી-આવેશમય હોય એને આપણે એની ભૂલ બતાવીએ તો એ પ્રાયઃ ગુસ્સે થઇ જઇને ભૂલનો અસ્વીકાર-ઇન્કાર કરશે અને જો તક મળશે તો એ ભૂલનું દોષારોપણ આપણામાં કરશે કે ‘તમારાં કારણે આમ થયું ! જ્યારે ક્ષમાશીલ-શાંત સ્વભાવની વ્યક્તિને કોઈ એની ભૂલ દર્શાવશે તો એ એને સ્વીકારીને – સમજીને આત્મનિરીક્ષણ પર જશે. બીજા શબ્દોમાં કહીએ તો ક્ષમા ‘એક્સ-રે’ જેવી દ્રષ્ટિ વિકસાવે છે જે ભીતરના દોષોનો સહજ સ્વીકાર કરાવે. દોષોનો આ સ્વીકાર-એકરાર ઘણીવાર એ ક્ષમાવંત વ્યક્તિને એવી ઉચ્ચતમ ભૂમિકાએ લઇ જાય કે એ સર્વથા દોષમુક્ત થઇ કેવલજ્ઞાાની પણ બની શકે.’
પર્યુષણામહાપર્વના ‘અષ્ટાહ્નિકા’ પ્રવચનોમાં શ્રેષ્ઠ કક્ષાની ક્ષમાપનાના સંદર્ભમાં ચંદનબાળા અને મૃગાવતીનું કથાનક પ્રસ્તુત કરાય છે. એમાં આ વિધાન બિલકુલ યથાર્થ પુરવાર થતું નિહાળાય છે. મહાસતી મૃગાવતી સાધ્વીજીએ પ્રભુદેશના શ્રવણની તલ્લીનતામાં સમયનો ખ્યાલ ન રાખ્યો અને એ સૂર્યાસ્ત પછી સ્વસ્થાને આવ્યા. એમના ગુરુ મહાસતી ચંદનબાળા સાધ્વીજીએ આ ક્ષતિ પર સામાન્ય ધ્યાન દોર્યું કે ‘ક્ષુલીન સ્ત્રીએ સૂર્યાસ્ત બાદ સ્થાનબહાર રહેવું યોગ્ય નથી.’ ક્ષમાવંત મૃગાવતીજીએ ભૂલનો સ્વીકાર કરી માફી માંગી. ઉપરાંત તીવ્ર પશ્ચાત્તાપ કર્યો કે ‘ગુરુને આટલું પણ ધ્યાન દોરવું પડે એ મારા માટે યોગ્ય ન કહેવાય.’ ભૂલનો સ્વીકાર અને એના પરના પશ્ચાત્તાપની આ તીવ્ર ધારાએ મૃગાવતીજીને તે જ રાત્રિએ કેવલજ્ઞાાન થયું ? જ્યારે ચંદનબાળાજીને મૃગાવતીજીનાં કેવલજ્ઞાાનનો ખ્યાલ આવ્યો ત્યારે એમને પોતાની ભૂલ પર પશ્ચાત્તાપ થયો કે ‘આવા ઉત્તમ સાધ્વીજીને માટે સામાન્ય ધ્યાન દોરવાની ય શી જરૂર હતી ?’ ભૂલસ્વીકાર અને તીવ્ર પશ્ચાત્તાપની ધારાએ ચંદનબાળાજીને ય તેજ રાત્રિએ કેવલજ્ઞાાની બનાવ્યા. ક્રોડો જન્મોની સાધના પછી ય જે કેવલજ્ઞાાન આસાનીથી પ્રાપ્ત ન થાય તે કેવલજ્ઞાાન આ બન્ને પુણ્યાત્માને ભૂલસ્વીકાર અને પશ્ચાત્તાપથી તુર્ત પ્રાપ્ત થઇ ગયું ! એનાં મૂળમાં હતો ક્ષમાશીલ શાંત સ્વભાવ.
અંતે યાદ રાખીએ એક મસ્ત સુવાક્ય: ક્ષમા માનવીને મહાન બનાવે… પશ્ચાત્તાપ માનવીને પાવન બનાવે..
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.