ગુજરાતમાં મંદીનું વિષચક્ર શરૂ થઇ ગયું છે. ગુજરાત સરકારને મળી રહેલી એસજીએસટીની આવકમાં ઘટાડો થયો છે. તેમાંથી આ સંકેતો મળ્યા છે. વર્ષ 2018ના નાણાકીય વર્ષ દરમિયાન એસજીએસટીની રાજ્યને 14,900 કરોડની આવક થઇ હતી. જે ઘટીને આ વર્ષે એટલે કે 2019ના નાણાકીય વર્ષની આવક 14,642 કરોડ રહી છે. જે રાજ્યમાં વ્યાવસાયિક મંદીનાં એંધાણ આપી રહી છે.
દેશમાં અમીર અને ગરીબ વચ્ચેની ખાઇ પહોળી થઇ રહી છે. એકબાજુ પારલે-જી બિસ્કીટનું વેચાણ ઘટે છે. તો બીજી બાજુ લક્ઝુરિયસ ગાડીઓનું વેચાણ વધી રહયું છે. 2018-19ના નાણાકીય વર્ષમાં વેટની ગુજરાતને 9200 કરોડ રૂપિયાની આવક થઇ હતી જે 2019-20ના નાણાકીય વર્ષમાં ઘટીને 8,827 કરોડની થઇ ગઇ છે. ગત વર્ષે એસજીએસટી અને વેટની આવક જાળવવામાં રાજ્ય સફળ રહ્યું હતું. પરંતુ ચાલુ નાણાકીય વર્ષમાં આ રીતનું થઇ શક્યુ નથી. તેનું કારણ છેકે આ વર્ષે વેપારીઓને રિફન્ડ વધુ પ્રમાણમાં અપાયા. કેટલાંક સમયથી પેન્ડિંગ રહેલા રિફન્ડ ચૂકવવાના કારણે પણ આવક જેટલી થવી જોઇએ તેટલી થઇ શકી નથી.
દેશમાં ઉત્પાદન કરતાં રાજ્યોમાં એસજીએસટીની આવક સતત વધતી રહે છે. ગુજરાત પણ મેન્યુફેક્ચરિંગ સ્ટેટ છે. પરંતુ આવક ઘટી રહી છે. સ્ટેટ જીએસટીની સતત ઘટી રહેલી આવક રાજ્યમાં મંદીનો માર સૂચવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા રજૂ થયેલા અંદાજપત્રમાં સરકારે દર મહિને એસજીએસટીની આવકમાં પાંચસો કરોડનો વધારાનો અંદાજ દર્શાવ્યો હતો. બજેટ રજૂ થયે પાંચ મહિના થયાં છે તો અઢી હજાર કરોડની આવક થાય તેવી ગણતરી મૂકી શકાય. તેનાથી વિરુદ્ધ આવકમાં 256 કરોડનો ઘટાડો થયો છે. તે જ સૂચવે છે કે રાજ્યમાં ધંધા રોજગાર અને ઉદ્યોગો ઠંડા પડી રહ્યાં છે.
મોંઘવારીના મારે લોકોની ખરીદ શક્તિ ઘટાડી દેતાં ઉત્પાદનમાં પણ જોરદાર ઘટાડો થયો છે. જોકે કરવેરા વિભાગના સૂત્રો જણાવી રહ્યાં છે કે જીએસટીની આવક રાજ્યમાં ચૌદ ટકાના દર પ્રમાણે આવી રહી છે. પરંતુ તેમાં ઘટાડો આવે તો કેન્દ્ર સરકાર સરભર કરી આપે છે. જીએસટીના અમલની જોગવાઇ મુજબ પાંચ વર્ષ સુધી જીએસટીની ખાદ્ય કેન્દ્ર સરકાર આપશે. આ ત્રીજુ વર્ષ છે ત્યારે હવે બે જ વર્ષ બાકી રહે છે કે જેની ખોટ સરકાર ભરપાઇ કરી આપશે. સૌથી મોટો સવાલએ છે કે બે વર્ષ બાદ શું?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.