ગુજરાત પર મેઘરાજા મહેરબાન છે છેલ્લા થોડાં દિવસથી રાજ્યમાં સતત વરસાદ પડી રહ્યો છે. રાજ્યનો એક પણ એવો તાલુકો નથી જ્યાં 5 ઈંચથી ઓછો વરસાદ પડ્યો હોય. રાજ્યમાં અત્યાર સુધી 94.57 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે,જેમાં સૌથી વધુ કચ્છમાં 162 ટકા વરસાદ થયો છે. સમગ્ર રાજ્યમાં આગામી બે દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરવામાં આવી છે.
રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અને આગોતરા આયોજન માટે મુખ્ય સચિવ અનિલ મૂકીમે આજે રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગર ખાતે સમીક્ષા બેઠક યોજી જેમાં વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા.
રાજ્યનું વહીવટી તંત્ર તમામ પરિસ્થિતિને પહોંચી વળવા સજ્જ છે તેમ જણાવ્યું હતું. સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યમાં NDRFની 13 ટીમો તૈનાત કરાઈ છે. જ્યારે NDRF-SDRFની અન્ય 13 ટીમો સ્ટેન્ડબાય રહી છે. રાહત કમિશનર હર્ષદ પટેલે કહ્યું કે, ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના આગાહી પ્રમાણે બનાસકાંઠા, પાટણ, મોરબી ઉપરાંત મહેસાણા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.
રાજ્યમાં આગામી તા. 23 અને તા. 24 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણ, મોરબી, કચ્છ, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા,પાટણ, મહેસાણા સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લી જિલ્લાઓમાં, પૂર્વ મધ્ય ગુજરાતના દાહોદ, મહિસાગર, છોટાઉદેપુર, ખેડા, અમદાવાદ, પંચમહાલ અને વડોદરા, દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ અને સુરત તથા સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના જુનાગઢ, દેવભૂમિ દ્વારકા, કચ્છ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર પોરબંદર, મોરબી સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જેના આધારે સમગ્ર સ્થિતિ પર રાજ્યકક્ષાએથી સતત મોનિટરીંગ કરવામાં આવી રહ્યું છે.
રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેરના લીધે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 124.62 મીટરે પહોંચી ગઇ છે. નર્મદા ડેમમાં પાણીની આવક 1 લાખ 42 હજાર 145 ક્યુસેક થઇ છે.જો કે હજુ પણ બારસો મેગાવોટની વીજ ક્ષમતાના રિવર બેડ પાવર બંધ રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે ડેમમાં દરવાજા લગાવ્યા બાદ હવે ડેમને 138.38 મીટર સુધી ભરી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.