જ્યોતિરાદિત્ય સિંધિયાનો દાવો, મને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાની ઑફર કરી હતી

કોંગ્રેસ પક્ષ છોડીને ભાજપમાં જોડાયા બાદ રાજ્યસભાના સાંસદ બનેલા મધ્ય પ્રદેશના વગદાર નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ એવો દાવો કર્યો હતો કે રાજ્ય વિધાનસભાની ચૂંટણી જીત્યા પછી મને રાજ્ચયમાં નાયબ મુખ્ય પ્રધાન બનાવવાની ઑફર કોંગ્રેસ પક્ષે કરી હતી. મેં સવિનય ઑફરનો અસ્વીકાર કર્યો હતો.

તેમણે કહ્યું હતું કે મને અંદાજ આવી ગયો હતો કે બાર પંદર મહિનામાં કમલનાથની સરકાર ધરાશાયી થઇ જશે અને એવું થયું પણ ખરું.

ગ્વાલિયરમાં ભાજપના ત્રણ દિવસના સભ્યતા અભિયાનના બીજા દિવસે રવિવારે સિંધિયાએ પોતાના ટેકેદારોને સંબોધતાં કહ્યું હતું કે મને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાની ઑફર કરવામાં આવી હતી પરંતુ એ સરકારના ભાવિનો અંદાજ મને આવી ગયો હતો એેટલે મેં એ ઑફરનો અસ્વીકાર કર્યો હતો. મને ખ્યાલ આવી ગયો હતો કે બાર પંદર મહિનામાં દિગ્વિજય સિંઘ અને કમલનાથ ગોટો વાળી દેશે.

અત્યાર અગાઉ દિગ્વિજય સિંઘ પણ જાહેરમાં કહી ચૂક્યા હતા કે સિંધિયાને રાજ્યમાં ઉપમુખ્ય પ્રધાન બનાવવાની ઑફર મૂકાઇ હતી પરંતુ સિંધિયા પોતાના શિષ્યને આ પદ અપાવવા માગતા હતા. કમલનાથે સિંધિયાના ચેલાને નાયબ મુખ્ય પ્રધાન બનાવવાની સિંધિયાની માગણી સ્વીકારી નહોતી. હવે સિંધિયાએ પોતે જાહેરમાં નાયબ મુખ્ય પ્રધાનપદની ઑફરનો ઉલ્લેખ કર્યો હતો એટલે દિગ્વિજયની વાતને સમર્થન મળ્યું હતું.

મધ્ય પ્રદેશની જેમ રાજસ્થાનમાં પણ સચિન પાઇલટને નાયબ મુખ્ય પ્રધાન બનાવાયા હતા પરંતુ અશોક ગેહલોત જેવા સિનિયર નેતાઓ યુવાન પેઢીની પરોક્ષ રીતે અવગણના કરતા રહ્યા હતા અને લાગ મળ્યે યુવા નેતાઓને નીકમ્મા કહીને ઊતારી પાડતા હતા. આખરે સચિન પાઇલટ સાથે 18-19 સભ્યોએ સનિયર નેતાઓની મનમાની સામે વિરોધ અને બળવો કર્યો હતો. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ કરેલી દરમિયનગીરીના પગલે રાજસ્થાનમાં શાંતિ સ્થપાઇ હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.