સોનિયા ગાંધી પર વધતું દબાણ, પત્ર મોકલનાર નેતાઓએ હવે બીજી માંગ કરી

કોંગ્રેસને કાયમી પ્રમુખની જરૂર છે અને બીજા પણ કેટલાક સુધારા થવા ઘટે એવો પત્ર પક્ષના વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીને લખનારા નવ નેતાઓએ પોતાના આ પત્રની વિગતો જાહેર કરવાની માગણી કરી હતી. સોમવારે કોંગ્રેસ કારોબારીની સાત કલાક ચાલેલી વર્ચ્યુઅલ બેઠકમાં ગુલામ નબી આઝાદ, આનંદ શર્મા, મુકુલ વાસનિક, શશી થરૂર વગેરે નેતાઓએ આ પત્રમાં વર્ણવેલા કેટલાક મુદ્દાઓ અંગે પોતાના લોજિક (તર્ક)ને રજૂ કર્યું હતું. કારોબારીની બેઠક પછી સોમવારે સાંજે સોનિયાને પત્ર લખનારા નેતાઓએ ગુલામ નબી આઝાદને ત્યાં એક બેઠક પણ યોજી હતી.

આ બેઠકમાં પણ કપિલ સિબલ, આનંદ શર્મા, મનીષ તિવારી અને શશી થરૂર સહિત નવ નેતાઓ ગુલામ નબી આઝાદને મળ્યા હતા. આ બધાએ મિડિયાને આપેલા ખુલાસામાં કહ્યું હતું કે અમારા પત્રની વિગતો કારોબારીના બધા સભ્યો પાસે નહોતી એટલે ઘણી ગેરસમજ અને હોબાળો થયો. વાસ્તવમાં આ પત્ર જાહેર કરવાની જરૂર હતી જેથી એની સાચી વિગતો કોંગ્રેસ કારોબારીના સભ્યો ઉપરાંત અન્ય નેતાઓ કાર્યકરો તથા પક્ષના ટેકેદારો સમક્ષ સાચી વાત પહોંચે. હજુ પણ અમે ઇચ્છીએ છીએ કે અમારા પત્રની વિગતો જાહેર કરવામાં આવે જેથી ગેરસમજો દૂર થાય અને લોકોને સાચી વાતનો ખ્યાલ આવે.

જો કે એક અહેવાલ મુજબ કારોબારીની બેઠક પહેલાં પત્ર લીક થઇ ચૂક્યો હતો અને પત્ર લીક થયો એટલે જ રાહુલ ગાંધીને પત્ર લેખકો પર શાબ્દિક હુમલો કરવાની તક મળી ગઇ હતી.

સોમવારની બેઠક અંગે આનંદ શર્માએ કહ્યું હતું કે પત્ર મળ્યા પછી પણ સોનિયાજીનું વર્તન શાલીન હતું. તેમણે કહ્યું કે ભૂતકાળ ભૂલી જાઓ. જે થઇ ગયું એ થઇ ગયું. હવે પક્ષની એકતા જળવાઇ રહે એ જરૂરી છે. આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે. અમે એમના આ વિચારો અને શબ્દોથી સંતુષ્ટ થયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.