દિલ્હી હાઇકોર્ટે કેન્દ્ર સરકારની કરેલી આકરી ટીકા : સેન્ટર ફોર એવિયેશન પોલિસી સેફ્ટીએ અરજી કરી હતી

મેક ઇન ઇન્ડિયા-આત્મનિર્ભર ભારત નર્યું ધતિંગ, સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકાર પાખંડી પુરવાર

દિલ્હી હાઇકોર્ટે મેક ઇન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતને નર્યો દંભ અને પાખંડ ગણાવ્યા હતા. હાઇકોર્ટે કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે સ્થાનિક ઉત્પાદકો અને સાહસિકોને પ્રોત્સાહન આપવાની બાબતમાં કેન્દ્ર સરકાર પાખંડી પુરવાર થઇ હતી.

દેશના વિવિધ એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલિંગ સર્વિસ ઉપલબ્ધ કરાવવા માટે બહાર પડાયેલા ટેન્ડર્સમાં કંપનીઓની યોગ્યતાના મુદ્દે હાઇકોર્ટે આ ટીકા કરી હતી.

સેન્ટર ફોર એવિયેશન પોલિસી, સેફ્ટી એન્ડ રિસર્ચ દ્વારા કરાયેલી અરજી પર હાઇકોર્ટ સુનાવણી કરી રહી હતી. હાઇકોર્ટે કેન્દ્ર સરકાર અને એરપોર્ટ ઑથોરિટી ઑફ ઇન્ડિયાને નોટિસ મોકલીને આ મુદ્દે ખુલાસો માગ્યો હતો અને એવી ચેતવણી આપી હતી કે આ અરજીના ચુકાદાના આધારે ટેન્ડર્સ સ્વીકારવાની કાયદેસરતા નક્કી થશે.

હાઇકોર્ટે કહ્યું કે એક તરફ સરકાર આત્મનિર્ભર ભારત અને મેક ઇન ઇન્ડિયાની ગુલબાંગો મારે છે અને બીજી તરફ એવા ટેન્ડર બહાર પાડે છે જે સ્થાનિક નાનકડી કંપનીઓને એરપોર્ટ પર ગ્રાઉન્ડ હેન્ડલીંગ સર્વિસ ક્ષેત્રે ભાગીદારી કરતાં રોકે છે. આવાં બેવડાં ધોરણ કેવી રીતે ચાલે એવો સવાલ જસ્ટિસ વિપિન સાંઘી અને જસ્ટિસ રજનીશ ભટનાગરે કર્યો હતો.

માનનીય જજોએ કહ્યું કે તમે નાનકડી કંપનીઓને દૂર રાખવા માગતાં હો તો સ્પષ્ટ શબ્દોમાં એમ બોલો. ભાષણોમાં તમે મોટી મોટી વાતો કરેા છો પરંતુ તમારા શબ્દો અને કાર્ય વચ્ચે સુમેળ નથી. બોલો છો કાંઇ અને કરો છો કાંઇ.

હાઇકોર્ટે કહ્યું કે નાની નાની કંપનીઓને પણ અસ્તિત્વ ટકાવી રાખવા માટે સારા કામની જરૂર હોય છે. તમે જે બોલ્યા એ કરી બતાવવાની વાત આવી ત્યારે તમે ફરી બેસતાં હો એવી છાપ આ ટેન્ડર પરથી પડતી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.