માફિયાઓ વિરુદ્ધ યોગી સરકારની લાલ આંખ, 300 કરોડની સંપત્તિ જપ્ત કરી

ઉત્તર પ્રદેશના માફિયાઓ અને ગુંડા ટોળીઓને જેર કરવા યોગી આદિત્યનાથની સરકાર અત્યંત કડક પગલાં લઇ રહી હતી. અત્યાર સુધીમાં માફિયાઓની 300 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી હતી. માફિયા ટોળીઓ અને તેમના સરદારો પર સરકાર અને પોલીસની લાલ આંખ હતી.

ઉત્તર પ્રદેશની સરકારે અત્યાર સુધીમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ 495 કેસ કર્યા હતા જેમાં સૌથી વધુ કેસ મુખ્તાર અન્સારી અને એના ગુંડાઓ સામે હતા. વાસ્તવમાં મુખ્તાર અન્સારી, અતીક અહમદ, અનિલ દુજાના અને સુંદર ભાટી પર યોગીની લાંબા સમયથી નજર હતી. યોગીએ પોલીસને આ બાબતમાં છૂટ્ટો દોર આપ્યો હતો અને માફિયા ટોળીઓ સામે સખત પગલાં લેવાની તાકીદ કરી હતી. ઉત્તર પ્રદેશ પોલીસે અત્યાર સુધીમાં માફિયાઓની જે સંપત્તિ કબજે કરી હતી એમાં આગ્રા ઝોનમાં 48 કરોડ, વારાણસી ઝોનમાં 47 કરોડ, બરેલી ઝોનમાં 25 કરોડ ઉપરાંત આઝમગઢ, ગાઝીપુર, નોએડા આ દરેકમાં દસ દસ કરોડની સંપત્તિ જપ્ત કરી હતી. એકલા મુખ્તાર અન્સારીની 100 કરોડની સંપત્તિ જપ્ત કરાઇ હતી. હજુ ગઇ કાલેજ લખનઉના સૌથી પોશ ગણાતા વિસ્તાર હઝરતગંજમાં મુખ્તાર અન્સારીની કરોડોની સંપત્તિ ધરાશાયી કરી દેવામાં આવી હતી. આ સંપત્તિ મુખ્તારના પુત્રો અબ્બાસ અને ઉંમરના નામ પર રજિસ્ટર હતી. લખનઉ વિકાસ નિગમે 20 જેસીબી મશીન અને 250થી વધુ પોલીસ જવાનો સાથે ત્યાં પહોંચીને બે માળના મકાનને ધરાશાયી કરી દીધું હતું. લખનઉ  વિકાસ નિગમની જમીન પર ગેરકાયદે કબજો કરીને જે બાંધકામ કરવામાં આવ્યું હતું એ તોડવા પાછળ થયેલો ખર્ચ પણ મુખ્તાર અન્સારી પાસેથી વસૂલ કરવામાં આવશે. જમીનના દસ્તાવેજોમાં ગેરકાયદે ઘાલમેલ કરીને મુખ્તારે આ સરકારી જમીન કબજે કરી લીધી હતી અને એના પર મકાન બાંધી લીધું હતું. જેમના કાર્યકાળમાં આ ઇમારત બની હતી એ મ્યુનિસિપલ તેમજ સરકારી અધિકારીઓ સામે કાયદેસર કામ ચલાવવાની જાહેરાત પણ યોગી સરકારે કરી હતી.

તાજેતરમાં ખાસ કરીને જુલાઇ માસમાં કાનપુર, આગ્રા અને અન્યત્ર બનેલી અપરાધોની મોટી ઘટનાઓ પછી કોંગ્રેસના નેતાઓ દ્વારા યોગી સરકારની આકરી ટીકા થઇ હતી. એના જવાબ રૂપે યોગી સરકારે આ આકરાં પગલાં લેવાની શરૂઆત કરી દીધી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.