રાની રામપાલ, મરિયપ્પન અને મનિકા બત્રાને ખેલ રત્ન એવોર્ડ એનાયત

હોકીના જાદુગર મેજર ધ્યાન ચંદની જન્મજયંતિએ યોજાતા રાષ્ટ્રીય રમત દિવસે દેશના રમતવીરોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. કોરોના મહામારીના કારણે યોજાયેલા સૌપ્રથમ વર્ચ્યુઅલ સમારંભ અંતર્ગત દેશનો સર્વોચ્ચ રમત પુરસ્કાર ખેલ રત્ન એવોર્ડ  હોકી ટીમની કેપ્ટન રાની રામપાલ, પેરાલિમ્પિકના ગોલ્ડ મેડાલીસ્ટ એથ્લીટ મરિયપ્પન અને ટેબલ ટેનિસની સ્ટાર ખેલાડી મનિકા બત્રાને એનાયત કરવામાં આવ્યો હતો.

ખેલરત્ન એવોર્ડ માટે મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગટ અને ક્રિકેટર રોહિત શર્માની પસંદગી પણ કરવામાં આવી હતી. જોકે તેઓ વર્ચ્યુઅલ સમારંભમાં ઉપસ્થિત રહી શક્યા નહતા. વિનેશને કોરોનાનો ચેપ લાગ્યો છે. જ્યારે રોહિત શર્મા આઇપીએલમાં ભાગ લેવા માટે યુએઈ પહોંચી ગયો છે. ખેલ મંત્રાયલે એવોર્ડ વિજેતા રમતવીરોને તેમના નિવાસસ્થાન નજીકના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સેન્ટર ખાતે પહોંચીને સમારંભમાં વર્ચ્યુઅલી જોડાવા માટે સૂચના આપી હતી.

રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય રમતજગતને ગૌરવ અપાવનારા ૭૪ જેટલા રમતવીરો-કોચીસ અને સ્પોર્ટસ જગતના ધુરંધરોને સન્માનવાના કાર્યક્રમમાં ૬૦ જેટલા એવોર્ડ વિજેતા ઉપસ્થિત રહી શક્યા હતા. પાંચ ખેલાડીઓને ખેલ રત્ન અને ૨૭ ખેલાડીઓને અર્જુન એવોર્ડ મળ્યો હતો. દેશના ૧૧ રાજ્યોના સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના સેન્ટર્સ ખાતેથી આ ખેલાડીઓ સમારંભમાં જોડાયા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.