પાટીદારો પર વર્ષ 2015માં થયેલા દમનની તપાસ મામલે રચવામાં આવેલા પૂંજ તપાસ પંચ સમક્ષ બે અગ્રણીઓએ જસ્ટીસ પૂંજ સમક્ષ પોતાનાં લેખિત નિવેદન આપ્યું હતું. જેમાં પાસના તત્કાલિન કન્વિનર અને હાલ કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ અને પાટીદાર નેતા અમરિષ પટેલે પોતાના નિવેદનમાં કેટલાક આઈપીએસ અધિકારીઓ અને પોલીસ ઈન્સપેક્ટર ઉપર દમન કરવાના અને અશ્લિલ ભાષાનો ઉપયોગ કરવાના આરોપ લગાવ્યા છે.
આ અંગે મળતી વિગત અનુસાર નિવેદનમાં બંધારણની મર્યાદામાં રહીને આંદોલન કરવામાં આવ્યું હોવાનો ઉલ્લેખ કરાયો છે. કેમ કે કેટલાંક પોલીસ અધિકારીઓએ એવો આરોપ લગાવ્યો હતો કે પાટીદારો દ્વારા બંધારણની મર્યાદા તોડીને આંદોલન કર્યું હોવાનું કહ્યું હતું. આ સંદર્ભે નિવેદનમાં એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે, પાટીદારોએ બંધારણની મર્યાદા તોડીને આંદોલન કર્યું તો પોલીસ દ્વારા જે દમન કરવામાં આવ્યું તે શું બંધારણની મર્યાદામાં રહીને કરાયું હતું.
નિવેદનમાં લગાવાયેલા આરોપ
પૂંજ તપાસ પંચમાં આપેલા નિવેદનમાં એવો આરોપ લગાવાયો છે કે, અમદાવાદના જીએડીસી મેદાનમાં શાંતિથી ઉપવાસ પર બેઠેલા પાટીદારો ઉપર મોટી સંખ્યામાં આવી પહોંચેલી પોલીસની ફોર્સ દ્વારા અમાનવીય અત્યાચાર કરવામાં આવ્યો હતો. અમદાવાદના સેક્ટર 1ના તત્કાલિન પોલીસ અધિકારી રાજીવ રંજન ભગત અને જે. સી. પટેલ દ્વારા અશોભનીય ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને મંચ પર ઉપસ્થિત મહિલાઓ સાથે પણ ગેરવર્તણૂંક કરી હોવાનો આરોપ લગાવ્યો છે. સાથે એવું પણ કહ્યું કે, આ મેદાનની તમામ લાઈટો બંધ કરીને પહોંચેલી પોલીસ ફોર્સે બેરહેમીથી લાઠીચાર્જ કર્યો હતો અને તેમાં ઘણાં લોકોને ઈજા થઈ હતી. આ ઉપરાંત અધિકારી ભગતે ઉપસ્થિત મહિલા પાસે અઘટિત માગણી પણ કરી હોવાનો આરોપ પણ આ નિવેદનમાં લગાવાયો છે.
ઉપરાંત 25મી અને 26મી ઓગસ્ટ 2015 દરમિયાન પોલીસ દ્વારા અમદાવાદ ઉપરાંત રાજ્યના અન્ય ભાગોમાં પણ અત્યાચાર ગુજારવામાં આવ્યો હતો. અને પોલીસ દ્વારા પાટીદારોના ઘરમાં ઘૂસી જઈને માર મારવાનો તેમ જ સોસાયટીઓમાં પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરવાના પણ સીસીટીવી ફૂટેજ પંચ સમક્ષ અગાઉ અરજદારો દ્વારા રજૂ કરવામાં આવ્યા છે. આટલું ઓછું હોય એમ પોલીસ દ્વારા આડેધડ ગોળીબાર કરીને 14 જેટલા નિર્દોષ લોકોની હત્યા પણ કરવામાં આવી હોવાના આરોપ આ નિવેદનમાં લગાવાયા છે.
આ અંગે વાત કરતા પાટીદાર અગ્રણી દિનેશ બાભંણિયાએ કહ્યું હતું કે આખી તપાસ જ ગેરમાર્ગે જઇ રહી હોય તેવું લાગે છે. પાટીદારો પર દમનની તપાસ કરાઇ રહી છે અને સવાલ જેમણે દમન કર્યું તેમને કરવા કરતા પાટીદાર અગ્રણીઓને પૂછાઇ રહ્યા છે. આ અંગે મેં પંચને એક પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.