મુંબઈઃ વિદ્યાર્થી ભારતી સંગઠનના કેટલાંક સભ્યોએ અમિતાભ બચ્ચનના ઘર પ્રતિક્ષાની બહાર પરવાનગી લીધા વગર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેને કારણે પોલીસે તેમની ધરપકડ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ પહેલાં અમિતાભના જલસા બંગલાની બહાર પ્રદર્શનકારીઓએ વિરોધ નોંધાવ્યો હતો. નોંધનીય છે કે અમિતાભ બચ્ચને મેટ્રોની તરફેણમાં ટ્વીટ કરતાં છેલ્લાં બેથી ત્રણ દિવસથી તેઓ વિરોધનો સામનો કરી રહ્યાં છે.
બપોરના અઢી વાગે વિદ્યાર્થીઓ ભેગા થયા હતા
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, 30 વિદ્યાર્થીઓ ગુરુવારે (19 સપ્ટેમ્બર) અઢી વાગે પ્રતિક્ષાની બહાર ભેગા થયા હતાં. તેમણે એક કલાક સુધી વિરોધ કર્યો હતો.
પોલીસે પરવાનગી આપી નહોતી
ડેપ્યુટી કમિશ્નર ઓફ પોલીસે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેમને વિદ્યાર્થીઓના ઈરાદાઓ ખબર હતી અને તેથી જ તેમણે પરવાનગી આપી નહોતી. તેમને કહેવામાં આવ્યું હતું કે જો તેઓ આવું કંઈ કરશે તો ક્રિમિનલ પ્રોસિજર કોડ હેઠળ કેસ કરવામાં આવશે પરંતુ તેમ છતાંય તેમણે વિરોધ કર્યો હતો. 30માંથી 23 વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી હતી અને પછી તરત જ જામીન આપી દેવામાં આવ્યાં હતાં.
બિગ બીએ શું ટ્વીટ કરી હતી?
અમિતાભ બચ્ચને ટ્વીટમાં મુંબઈ મેટ્રોના વખાણ કર્યાં હતાં. તેમણે કહ્યું હતું કે આ પ્રદૂષણનો ઉકેલ છે. તેમના એક મિત્રને મેડિકલ ઈમરજન્સી હતી અને તે કારને બદલે મેટ્રોમાં ગયો હતો. પરત આવીને તેણે કહ્યું હતું કે મેટ્રો ઝડપી, સુવિધાજનક તથા સૌથી સારી છે. બિગ બીએ વધુમાં કહ્યું હતું કે પ્રદૂષણનું સમાધાન. વધુ વૃક્ષ વાવો. તેમણે પણ બગીચામાં ઉગાડ્યા છે. શું તમે ઉગાડ્યાં?
શું છે સમગ્ર કેસ?
મુંબઈના ગોરેગાંવ સ્થિત 3200 એકરમાં ફેલાયેલા આરે ફોરેસ્ટના મેટ્રો કાર ડિપો માટે 2700 ઝાડ કાપવાના છે. 1000 એકર જમીન પર નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. બાકીની 2200 એકર જમીનમાંથી 90 એકર પર કોલાબા-બાંદ્રા મેટ્રો 3 માટે કાર-શેડ બનાવવામાં આવશે. દાવો કરવામાં આવ્યો છે કે અહીંયા 3600 ઝાડ છે અને મેટ્રો પ્રોજેક્ટ માટે 2700 ઝાડ કાપવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.