છેલ્લા ઘણા દિવસો થી હિરાઉઘોંગ મંદી માંથી પસાર થઇ રહ્યો છે ત્યારે હવે જ્યારે દિવાળીના તહેવારને હવે દશેક દિવસનું જ છેટું છે એ પહેલા સુરતની એક અગ્રણી ડાયમંડ કંપનીએ બે મહિનાનો પગાર ચુકવ્યા વગર 50 રત્નકલાકારને છુટા કરી દેતા હોબાળો મચી ગયો છે. કારીગરોએ દક્ષિણ ગુજરાત કામદાર સંઘના નેજા હેઠળ કલેકટરને રજૂઆત કરી હતી. છેલ્લાં છ મહિનામાં અનેક ડાયમંડ કંપનીઓએ કારીગરોને છુટા કરી દીધા છે એ જોતા રત્નકલાકારોની દિવાળી બગડવાના અને દિવાળી પછી કારખાના શરૂ થશે કે કેમ તે એક મોટો સવાલ ઉભો થયો છે.
દક્ષિણ ગુજરાત કામદાર સંઘના ઉર્મિલા રાણાએ કહ્યું હતું કે શીતલ ડાયમંડ કંપનીની હની ડાયમંડમાં કામ કરતા 50 જેટલા રત્નકલાકારને રાતોરાત છુટા કરી દેવામાં આવ્યા છે. બે મહિનાથી કંપનીએ કારીગરોને પગાર ચુકવ્યો નથી અને જબરદસ્તીથી લેટર પર સહી કરાવીને છુટા કરી દેવામાં આવ્યા હતા.છુટા કરાયેલા રત્નકલાકારો સંઘને રજૂઆત કરવા આવ્યા હતા એટલે સુરત જિલ્લા કલેકટરને અમે આવેદનપત્ર આપ્યું હતું એમ ઉર્મિલા રાણાએ કહ્યું હતું.
ઉર્મિલા રાણાએ વધુમાં કહ્યું હતું કે કંપનીના સંચાલકોને છુટા કરવાનું કારણ પુછતા તેમણે કહ્યું હતું કે હીરાઉદ્યોગમાં ભારે મંદીને કારણે પોલીશ્ડ હીરા વેચાતા જ નથી જેને કારણે કારીગરોને પગાર આપવાનું મુશ્કેલ બન્યું છે.
હીરાઉદ્યોગમાં છેલ્લાં કેટલાંક સમયથી મંદીનો સૌથી વધુ માર રત્નકલાકારોને પડી રહ્યો છે. છેલ્લાં છ મહિનામાં જ 20000થી વધારે રત્નકલાકારને છુટા કરી દેવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.