વિજય રૂપાણીએ ધારાસભ્યોના પગારમાં મૂક્યો 30%નો કાપ, ગુજરાત સરકારને વર્ષે થશે આટલી બચત

કોરોના મહામારી અને લોકડાઉનના લીધે સરકારની આવકમાં ધરખમ ઘટાડો થયો અને વિવિધ મોરચે ખર્ચ કાપની નીતિનો અમલ કરાઇ રહ્યો છે. આવા સંજોગોમાં રાજ્ય સરકારે પ્રધાનો, ધારસભ્યોના પગારમાં 30 ટકા કાપ મૂકવાનો નિર્ણય લીધો છે. આ પગારકાપનો આદેશ એક વર્ષ સુધી અમલમાં રહેશે. એટલે કે તેમને એક વર્ષ સુધી 30 ટકા ઓછો પગાર મળશે.

ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. જેમાં ભાજપના દંડકના પગારમાં 10% અને વિપક્ષ દંડકના પગારમાં 10%નો કાપ મૂકાયો છે.

ધારાસભ્યોના પગારમાં કાપ મૂકવાના નિર્ણયથી નાણાંભીડનો સામનો કરી રહેલી ગુજરાતની રૂપાણી સરકારને વર્ષે 6.30 કરોડ રૂપિયાની બચત થશે.

મુખ્યમંત્રીએ આ જાહેરાત કરતા કહ્યું કે રાજ્યના તમામ ધારાસભ્યો અને મંત્રીઓ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી દર મહિને તેમને મળતા વેતનમાં 30 ટકાનો કાપ સ્વીકારીને આ રકમ કોરોના મહામારી સામે થનારા ખર્ચમાં આપશે.

વિજય રૂપાણીએ રાજ્યના તમામ ધારાસભ્યોને મળતી 1 કરોડ 50 લાખની એમ એલએલેડ ગ્રાન્ટ પણ એક વર્ષ એટલે કે 31 માર્ચ 2021 સુધી કોરોના સામે પ્રજાના હિતમાં થનારા ખર્ચ માટે વાપરવામાં આવશે તેમ જાહેર કર્યું છે

વડા પ્રધાન નરેન્દ્ર મોદીની કેન્દ્ર સરકારે દેશના સાંસદોના પગારમાં 30 ટકા કાપ બે વર્ષ સુધી કરીને તે રકમ કોરોના સામે થનાર ખર્ચમાં અને એમ.પી. લેડ ફંડની રકમ પણ બે વર્ષ માટે કોરોના સામે લડવાના ફંડમાં આપવાનો જે નિર્ણય કર્યો છે તેનું સમર્થન કરતા ગુજરાત સરકારે પણ આ નિણર્ય કર્યા છે તેમ મુખ્ય મંત્રીએ ઉમેર્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.