ભાજપી નેતા રાજાસિંહના ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂકાયો પ્રતિબંધ

હેટ સ્પીચ મુદ્દે ચારેબાજુથી ઘેરાયેલી ફેસબૂકે અંતે ગુરૂવારે ભાજપના નેતા ટી. રાજાના ફેસબૂક એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરી હતી. ફેસબૂકે જણાવ્યું હતું કે, હિંસા અને નફરત ફેલાવવાના કન્ટેન્ટ વિરૂદ્ધ કંપનીની નીતિના ભંગ બદલ ટી. રાજાના ફેસબૂક અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકાયો છે.

બીજીબાજુ તેલંગાણામાં ભાજપના એકમાત્ર ધારાસભ્ય ટી. રાજાએ જણાવ્યું હતું કે ફેસબૂક પર તેમનું કોઈ એકાઉન્ટ નથી તો પ્રતિબંધ મૂકવાનો કોઈ સવાલ જ ઊભો થતો નથી.

ફેસબૂકે જણાવ્યું હતું કે, અમારા પ્લેટફોર્મ પરથી હિંસા અને નફરત ફેલાવતા લોકોના એકાઉન્ટ પર પ્રતિબંધ મૂકવાની અમારી નીતિના ભાગરૂપે અમે રાજા સિંહના ફેસબૂક એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે.

સંભવિત ભંગ કરનારાઓના મૂલ્યાંકનની પ્રક્રિયા વ્યાપક છે, તેથી અમે રાજાસિંહનું એકાઉન્ટ હટાવ્યું છે. ભારતમાં 30 કરોડથી વધુ યુઝર્સ સાથે સૌથી મોટું બજાર ધરાવતી ફેસબૂક 14મી ઓગસ્ટે અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલના હેટ સ્પીચ મુદ્દે ફેસબૂક વિરૂદ્ધના એક અહેવાલથી વિવાદોમાં સપડાઈ હતી.

અમેરિકન અખબારે જણાવ્યું હતું કે ભારતમાં ફેસબૂકની દક્ષિણ અને મધ્ય એશિયા પ્રભારની પોલિસી નિદેશક આંખી દાસે ભાજપ નેતા ટી. રાજાસિંહ વિરૂદ્ધ ફેસબૂકના હેટ સ્પીચના નિયમો લાગૂ કરવાનો વિરોધ કર્યો હતો, કારણ કે તેમને ડર હતો કે તેનાથી ભાજપ સાથે કંપનીના સંબંધો બગડી શકે છે.

અમેરિકન અખબારના આ અહેવાલ પછીથી કોંગ્રેસ અને ભાજપ સોશિયલ મીડિયા કંપની પર પક્ષપાતી વલણના આક્ષેપો કરી રહ્યાં છે. વોલસ્ટ્રીટ જર્નલના અહેવાલને પગલે સંસદીય સમિતિએ ફેસબૂકના પ્રતિનિિધને સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દુરૂપયોગ અંગે ચર્ચા કરવા બુધવારે સમન્સ પાઠવ્યું હતું.

બીજીબાજુ તેલંગાણામાં ભાજપના વિવાદાસ્પદ ધારાસભ્ય ટી. રાજાસિંહે ગુરૂવારે દાવો કર્યો હતો કે છેલ્લા એક વર્ષથી સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર તેમનું કોઈ એકાઉન્ટ જ નથી તો તેમનું એકાઉન્ટ પ્રતિબંિધત કરવાની વાત કેવી? વધુમાં તેમણે ફેસબૂક પર કોંગ્રેસના દબાણ હેઠળ કામ કરવાનો આક્ષેપ કર્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે, એપ્રિલ 2019થી તેઓ કોઈ ફેસબૂક એકાઉન્ટ ધરાવતા નથી અને ફેસબૂક જે એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો હોવાની વાત કરે છે તે તેમના ટેકેદારો દ્વારા બનાવવામાં આવ્યું હોય તેવી સંભાવના છે. તેમના નામથી ચાલતા એકાઉન્ટના કન્ટેન્ટ માટે તેઓ જવાબદાર નથી તેમ પણ તેમણે જણાવ્યું હતું. તેમણે 8મી ઑક્ટોબર, 2018ના રોજ હૈદરાબાદ પોલીસના સાઈબર ક્રાઈમ વિભાગને એક પત્ર લખ્યો હતો, જેમાં તેમણે તેમનું સત્તાવાર ફેસબૂક એકાઉન્ટ હેક થયું હોવાની ફરિયાદ કરી હતી

કોંગ્રેસે ફેસબૂક પર ભાજપ સાથે સાંઠગાંઠનો આક્ષેપ કરતાં કંપનીના સીઈઓ માર્ક ઝકરબર્ગને પત્ર લખ્યો હતો. ફેસબૂકે કોંગ્રેસને આ પત્રનો જવાબ આપ્યો છે. તેણે કહ્યું છે, અમે બિનપક્ષપાતી છીએ અને અમારૂં પ્લેટફોર્મ લોકો પોતાને સ્વતંત્ર રીતે અભિવ્યક્ત કરી શકે તેવું બનાવવાનો પ્રયાસ કરીએ છીએ. અમે પોતાને એક મુક્ત અને પારદર્શી પ્લેટફોર્મ બનાવી રાખવા માટે કટિબદ્ધ છીએ. અમે લોકોને સ્વતંત્રરૂપે અવાજ ઉઠાવવાની મંજૂરી આપતા રહીશું. અમે પૂર્વાગ્રહના આક્ષેપોને ગંભીરતાથી લઈએ છીએ અને કોઈપણ સ્વરૂપે હિંસા, કટ્ટરતા અને નફરતની નિંદા કરીએ છીએ. સંસદીય સમિતિ સમક્ષ ફેસબૂક ઈન્ડિયાના પ્રમુખ અજિત મોહન હાજર થયા પછી ફેસબૂકે આ જવાબ આપ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.