ચીની સંરક્ષણ પ્રધાને રાજનાથ સિંઘને સંદેશો મોકલ્યો, થોડો સમય ફાળવો; મારે તમને મળવું છે,

લદ્દાખમાં લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ પર વિના કારણે તનાવ જમાવનારું ચીન નીત નવા પેંતરા કરી રહ્યું હતું. હાલ ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ મોસ્કોમાં શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન (SCO)ની  બેઠકમાં સહભાગી થવા ગયા છે ત્યાં ચીનના સંરક્ષણ પ્રધાન વે ફેંગે રાજનાથ સિંઘને સંદેશો મોકલ્યો હતો કે મને થોડો સમય ફાળવો. મારે તમને મળવું છે.

વે ફેંગ ચીનના સંરક્ષણ પ્રધાન હોવા ઉપરાંત ચીનના સેન્ટ્રલ મિલિટરી કમિશનના ચાર મુખ્ય સભ્યોમાંના એક છે. એમનું સ્થાન ચીનની સંરક્ષણને લગતી બાબતોમાં મહત્ત્વનું છે. આ કમિશનના અધ્યક્ષ ચીની પ્રમુખ શી જિનપીંગ પોતે છે. અન્ય સભ્યોમાં શુ કિલિયાંગ અને ઝાંગ યુક્ઝિયા છે.

ગુરૂવારે રાજનાથ સિંઘ અને રશિયાના સંરક્ષણ પ્રધાન જનરલ સર્ગેઇ શોઇગુ વચ્ચે એક બેઠક યોજાઇ હતી. અત્યારે ચીનના સંરક્ષમ પ્રધાન પણ SCOની બેઠકમાં હાજરી આપવા માટે મોસ્કોમાં છે. અત્યારે લદ્દાખ સરહદે ચીની લશ્કર અને ભારતીય લશ્કર સંઘર્ષ જેવા તબક્કામાં છે ત્યારે ચીની સંરક્ષણ પ્રધાને ભારતીય સંરક્ષણ પ્રધાનને મળવાની ઇચ્છા વ્યક્ત કરી એના સૂચિતાર્થો ઘણા છે. આમ તો બંને દેશોના સરકારી પ્રવક્તાઓ અને લશ્કરી કમાંડર્સ વચ્ચે અગાઉ વાટાઘાટો થઇ ચૂકી હતી જે નિષ્ફળ નીવડી હતી.

હાલ સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘ મોસ્કોમાં છે. દસમી સપ્ટેંબરે વિદેશ પ્રધાન એસ જયશંકર પણ વિદેશ પ્રધાનોની બેઠકમાં સહભાગી થવા મોસ્કો પહોંચવાના છે.

રશિયાના ત્રણ દિવસના પ્રવાસે ગયેલા રાજનાથ સિંઘે ગુરૂવારે રશિયાના સંરક્ષણ પ્રધાન સાથે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. ભારત અને રશિયા વચ્ચે અગાઉ થયેલી સમજૂતી અન્વયે રશિયા ભારતને કેટલાંક શસ્ત્રો, શસ્ત્રોના પૂર્જા અને સંરક્ષણને લગતી સામગ્રી આપવાનું હતું. આ હકીકત ચીન પણ જાણે છે.

રાજનાથ સિંઘે રશિયાના સંરક્ષણ પ્રધાન સાથે બેઠક યોજી હતી એ જાણ્યા પછી ચીનના સંરક્ષણ પ્રધાને રાજનાથ સિંઘને મળવાની ઇચ્છા વ્યક્ત કરતો સંદેશો રાજનાથ સિઘને મોકલ્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.