સુરત: છેલ્લા એક મહિનામાં બાળકોમાં એમઆઈ એસસીના 50 જેટલા કેસ નોંધાયા

કોરોનાગ્રસ્ત થયેલા બાળકોમાં મલ્ટી સિસ્ટમ ઈંફ્લેમેટરી સિન્ડ્રોમ બિમારીના લક્ષણો દેખાઈ રહ્યા છે. સૌથી ગંભીર બાબત તો એ છે કે, છેલ્લા એક મહિનામાં સુરતમાં 50 જેટલા કેસ નોંધાયા છે. અમેરિકા અને યુકેમાં આ બિમારી પ્રથમવાર દેખાઈ હતી. ત્યાર બાદ સુરતમાં કેસ નોંધાયો હતો. વધતા જતા કેસે હવે તંત્રની ચિંતામાં વધારો કર્યો છે.

સુરતમાં કોરોનાની સાથે- સાથે નવી બીમારીનો જન્મ થયો છે. આ બીમારીનું નામ મલ્ટી સિસ્ટમ ઈંફ્લેમેટરી સિન્ડ્રોમ છે. જે મોટેભાગે નાના બાળકોમાં જોવા મળી રહી છે. હાલ સુધી સુરતની અલગ- અલગ હોસ્પિટલોમાં મળીને કુલ 50 જેટલા કેસો નોંધાઈ ચુક્યા છે. આ બિમારીને કોરોનાથી પણ ભયંકર માનવામાં આવી રહી છે. પરંતુ લોકોમાં હજૂ પણ તેને લઈને ગંભીરતા નથી જોવા મળી રહી.

જેથી આ બિમારીથી દરેક માતા-પિતાને જાગૃત કરવા માટે સુરત પેડિયાટ્રિક એસોસિએશન ચેરીટેબલ ટ્રસ્ટે ઝુંબેશ શરૂ કરી છે. ટ્રસ્ટ દ્વારા આ બિમારીને લઈને વેબિનાર યોજવામાં આવી રહ્યા છે. જેમાં સોશિયલ મીડિયા થકી આ બિમારીની ગંભીરતા, તેના લક્ષણો તેમજ તેનાથી બાળકોને કેવી રીતે બચાવી શકાય તે અંગે લોકોને માહિતગાર કરાઈ રહ્યા છે. મોટેભાગે જન્મ થી 20 વર્ષની વય સુધીના લોકોમાં આ પ્રકારની બિમારી જોવા મળે છે. પેટમાં દુખાવો, ડાયરિયા, ઊલટી, આંખો લાલ થવી, ગળા અને જડબાની આસપાસ સોજો, ત્વચા પર લાલ રંગના ચાઠા, સાંધાના દુખાવા, હાથ અને પગની આંગળીમાં સોજો થવો જેવા લક્ષણો તેમાં જણાઈ રહ્યા છે. અગત્યની વાત એ છે કે, સુરતમાં નોંધાયેલા કેસોમાં ફેમિલી મેમ્બરને કોરોના થઈ ચુક્યો હતો. સુરતમાં નોંધાયેલા કેસોની વચ્ચે સૌથી નાનું બાળક જે અસરગ્રસ્ત થયું હતું તે માત્ર ચાર મહિનાનું હતું.

ડો.વિમલ શાહે કહ્યું કે, શરૂવાતમાં આ રોગના લક્ષણો કાવસાકી રોગ જેવા લાગ્યા હતા. આ રોગ બાળકો માટે કોરોનાનું જ એક સ્વરૂપ છે. આ બિમારી જે બાળકોને થાય છે તેને 103 થી 105 જેટલો તાવ આવે છે તેમજ નસ અને માંસપેશિઓમાં સોજો આવે છે. ગંભીર સ્થિતિમાં અંગો કામ કરવાનું બંધ કરી દે છે. જો કે સમયસર નિદાન થવાથી 24 થી 48 કલાકમાં રિકવરી શક્ય છે. અને મહત્વની વાત એ છે કે, સુરતના આ 50 બાળકોમાંથી અંદાજિત 35 થી વધુ બાળકો સાજા થઈ ચૂક્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.