જનરલ નરવાણેનુ નિવેદન, રાષ્ટ્ર અમારા પર ભરોસો રાખે, સરહદો સુરક્ષિત છે.

 

ચીનના વધતા આક્રમક વલણ વચ્ચે લશ્કરી વડા જનરલ નરવાણે લદ્દાખ લાઈન ઓફ એક્ચ્યુલ કન્ટ્રોલ (એલએસી)ની મુલાકાતે ગયા હતા. બે દિવસીય મુલાકાત પછી તેમણે કહ્યું હતું કે રાષ્ટ્ર અમારા પર ભરોસો રાખે, દેશની સરહદો બિલકુલ સુરક્ષિત છે અને હંમેશા રહેશે.

પેંગોગના કાંઠે ચીનની ઘૂસણખોરી વધ્યા પછી ફરીથી ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ નરવાણે લેહ અને એલએસી પરના લશ્કરી મથકોની મુલકાતે ગયા હતા. એ મુલાકાત પછી તેમણે કહ્યું હતું કે આર્મી સંપૂર્ણપણે તૈયાર છે, સતર્ક છે અને સક્ષમ પણ છે. કોઈ પણ ખતરો આવી પહોંચે તો એને પહોંચી વળવા જેટલી લશ્કરી ગોઠવણી કરી લેવાઈ છે.

તેમણે કહ્યું હતું કે સરહદે છેલ્લા કેટલાક મહિનાઓથી સ્થિતિ તંગ છે, માટે આપણે લશ્કરી ખડકલો વધારવો પડયો છે. મુલાકાત દરમિયાન તેમણે સિનિયર લશ્કરી કમાન્ડરો ઉપરાંત સૈનિકો સાથે વાત-ચીત કરીને તેમની કામગીરીની પ્રસંશા કરી હતી.

મુલાકાત દરમિયાન નોર્ધન કમાન્ડના કમાન્ડિંગ ઓફિસર લેફ્ટન્ટ જનરલ યોગેશ જોશીએ તેમને સમગ્ર સ્થિતિનો ચિતાર આપ્યો હતો. બીજી તરફ આંદામાન સમુદ્રમાં ભારતીય નૌકાદળે રશિયા સાથે મળીને બે દિવસિય લશ્કરી કવાયત શરૂ કરી હતી. આ કવાયતને ઈન્દ્રાનેવી-2020 નામ આપવામાં આવ્યું છે.

આ કવાયત અગાઉ યોજાવાની હતી, પણ કોરોનાને કારણે મુલતવી રખાઈ હતી. ભારત-રશિયાની 11મી સંયુક્ત કવાયત દરમિયાન બન્ને નોકાદળના જહાજોએ સાથે હંકારીને વિવિધ દરિયાઈ દાવ-પેચ ખેલ્યા હતા, મિસાઈલ ફાયર કર્યા હતા તથા દરિયાઇ સુરક્ષાના પડકારોને પહોંચી વળવાની સ્ટ્રેટેજી તૈયાર કરી હતી.

આ તરફ એર ચીફ માર્શલ આરએસકે ભદૌરિયાએ સિકંદરાબાદ ખાતે આવેલી એરફોર્સની હાયર લર્નિંગ ઇન્સ્ટિટયૂટની મુલાકાત લીધી હતી. આ સંસ્થા એરફોર્સના કર્મચારીઓને સૈન્યની ત્રણેય પાંખ સાથે કામ કરવાનું શિક્ષણ આપે છે. અહીં ભવિષ્યના લડવૈયાઓને તેમણે સંબોધન કર્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.