કોંગ્રેસી ધારાસભ્ય નીનોંગ એરિંગનો દાવો, ચીનાઓ પાંચ અરુણાચલવાસીઓને ઉપાડી ગયા

ભારત અને ચીન વચ્ચે હાલ ચાલી રહેલા તનાવ વચ્ચે ચીની લશ્કરે અરૂણાચલ પ્રદેશના પાંચ નાગરિકોનું બળજબરીથી અપહરણ કરી લીધું હોવાની ફરિયાદ કોંગ્રેસી ધારાસભ્ય નીનોંગ એરિંગે કરી હતી.

અરૂણાચલ પ્રદેશના ઉપરવાસના સુબનગિરિ જિલ્લાના પાંચ નાગરિકોને ચીનાઓ ઉપાડી ગયા હોવાનો દાવો કોંગ્રેસી ધારાસભ્યે કર્યો હતો. એરિંગે વડા પ્રધાન કાર્યાલયને ફરિયાદ કરતી ટ્વીટ પણ કરી હતી. એરિંગે એવો દાવો કર્યો હતો કે થોડા મહિના પહેલાં પણ આવી ઘટના બની હતી. ચીનના પિપલ્સ લિબરેશન આર્માના જવાનો કેટલાક ભારતીય નાગરિકોને ઉપાડી ગયા હતા અને તેમના પર અત્યાચાર ગુજાર્યો હતો.

એરિંગે પોતાની ટ્વીટ સાથે બે સ્ક્રીનશોટ પણ રજૂ કર્યા હતા જેમાં ચીની લશ્કર દ્વારા અપહરણ કરાયેલા પાંચ નાગરિકોનાં નામ હતાં. એરિંગે લખ્યું હતું કે ચીનની સામે કડક પગલાં ભરવાં જોઇએ. અત્રે એ યાદ રહે કે છેલ્લા બે ત્રણ મહિનાતી ચીન સતત સરહદો પર તનાવ સર્જી રહ્યું હતું. લદ્દાખ સરહદે પેંગોંગ સરોવર નજીક ચીને ઘુસણખોરી કરવાના પ્રયાસો પણ કર્યા હતા.

ભારતીય લશ્કરના જવાનો અને ચીની લશ્કરના જવાનો વચ્ચે અથડામણ પણ થઇ હતી. ભારતીય જવાનોએ ચીની જવાનોને હંફાવ્યા હતા અને  ભારતીય સરહદમાંથી બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. ચીને જો કે સરહદ પર ભારે લશ્કરી જમાવડો કર્યો હતો અને જવાનો ઉપરાંત ટેંકો અને તોપો પણ ગોઠવી હતી. ચીન એક તરફ વાટાઘાટોનો દાવો કરતું હતું અને બીજી તરફ સરહદે છમકલાં કરતું હતું.

આંતરરાષ્ટ્રીય લેવલે ભારતનો હાથ ઊંચો રહ્યો હતો. મોસ્કોમાં શાંઘાઇ કો-એાપરેશન ઓર્ગેનાઇઝેશનની મિટિંગમાં હાજરી આપવા ગયેલા ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંઘે તેમની મુલાકાત માગનારા ચીની સંરક્ષણ પ્રધાનને કડક શબ્દોમાં કહી દીધું હતુ કે પહેલાં અમારી સરહદો પરથી આઘા ખસો. પછી વાત કરીશું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.