યુટ્યુબ વિડીયો જોઈને કાર ચોરનારો રીઢો ચોર પકડાયો, ચોરી કરવા બે લાખના મશીનો ખરીદ્યા

ગુજરાતના વિવિધ શહેરો તથા અન્ય રાજ્યોમાંથી વાહનોની ચોરી કરતા રીઢા ગુનેગારની ક્રાઈમ બ્રાંચે અટક કરી છે. પોલીસે ચોરી કરવાના આધુનિક સાધનો મળીને કુલ રૂ.17,37,900નો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઈમ બ્રાંચે માહિતીને આધારે પ્રહલાદનગર ગાર્ડન પાસેથી મુળ રાજસ્થાનના વતની સત્યેન્દ્રસિંહ ઉર્ફે દક્ષ આઈ.શેખાવતની અટક કરીને નંબરપ્લેટ વગરની સ્કોર્પિયો કાર કબજે કરી હતી. તે સિવાય ચાવી બનાવવાનું ઈલેકટ્રોનિક મશીન, ટુલ્સ, પાવર સપ્લાય મશીન, પાંચ જીપીએસ 2 ડોંગલ અને ત્રણ મોબાઈલ મળીને રૂ.17,37,900 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

તપાસ કરતા આરોપીઓએ સ્કોર્પિયો કાર દોઢેક મહિના અગાઉ ગાજીયાબાદના વિજયનગર વિસ્તારમાંથી તોરી કરી હોવાની કબુલાત કરી હતી. તે સિવાય ગાજીયાબાદમાંથી  બીજી એક સ્કોર્પિયો તથા એકાદ મહિના પહેલા રાણીમાંથી પણ સ્કોર્પિયો કારની ચોરી કરી હતી. તે સિવાય ગાંધીનગરથી સ્કોર્પિયો કાર, જામનગરથી ફોરચ્યુનર, વડોદરાથી કીયા સેન્ટોસ, રાજસ્થાનના બિકાનેરથી સ્કોર્પિયો, બેંગલોરથી ત્રણ સ્કોર્પિયો કાર, ચેન્નાઈથી મર્સિડીઝ અને દિવથી ફોર્ચ્યુનર કાર મળીને કુલ 12 કારની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.

આરોપી લક્ઝરીયસ કારના વર્કશોપમાં જઈને સિક્યુરિટી ગાર્ડની નજર ચુકવીને સર્વિસમાં પડેલી કારની ચાવી ચોરી લેતો હતો. તે સિવાય કારમાં જીપીએસ લગાવીને ચાવીને પોતાની પાસે રહેલા કી-ડેટા સ્કેનર મશીનમાં સ્કેન કરી લેતો હતો. બાદમાં કી-કટીંગ મશીનમાં બ્લેન્ક ચાવી નાંખીને ડુપ્લીકેટ ચાવી બનાવી કારમાં લગાવેલા જીપીએસથી કારનું લોકેશન મેળવીને મોકો મળતા જ કારની ચોરી કરતો હતો.

આરોપીએ મોબાઈલમાં લાઈન, વાઈબર અને વોટ્સએપ જેવી એપ્લીકેશનનો ઉપયોગ કરીને ફોન અને મેસેજ કરતો હતો. તેણે 2 લાખની કિંમતનું કી-કટીંગ મશીન, કી-સ્કેનર અને કી-ડેટા સ્કેનર મશીન ઓનલાઈન મંગાવ્યું હતું. તે યુ ટયુબ પર ચાવી બનાવવાના વિડીયો જોઈને ડુપ્લીકેટ ચાવી બનાવતો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.