સ્ટેરોઇડ બચાવી શકે છે કોરોના વાયરસના દર્દીઓનો જીવ : WHO

 

વિશ્વમાં જેટલી ઝડપથી કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે તેટલી જ ઝડપથી તેની દવાઓની પણ શોધ કરવામાં આવી રહી છે. હવે એક નવા રિપોર્ટ અનુસાર તો સ્ટેરોયડ પણ આ મહામારીમાં લોકોનું જીવન બચાવવાનું કામ કરી શકે છે. WHOનું કહેવું છે કે કોરોનાના ગંભીર દર્દીઓને સ્ટેરોઇડ આપી શકાય છે. જૂન મહીનામાં ઑક્સફોર્ડ યૂનિવર્સિટી તરફથી કેટલાય હોસ્પિટલમાં રિકવતી ટ્રાયલ કરવામાં આવ્યા હતા. આ ટ્રાયલમાં જાણવા મળ્યું હતું કે કોરોનાથી દર 8માંથી એક ગંભીર વ્યક્તિનો જીવ ડેક્સામેથાસોન નામના સ્ટેરોઇડથી બચાવવામાં આવ્યો હતો.

આ ટ્રાયલ ઉપરાંત, છ અન્ય ટ્રાયલના પરિણામો પણ સામે આવ્યા છે જેનાથી જાણવા મળ્યું છે કે હાઇડ્રોકાર્ટિસોન નામના એક અન્ય સ્ટેરૉઇડનો પણ જીવ બચાવવામાં મહત્ત્વની ભૂમિકા છે. હાઇડ્રોકાર્ટિસોન સસ્તા હોવાની સાથે જ સરળતાથી ઉપલબ્ધ પણ થઇ જાય છે. અમેરિકન મેડિકલ એસોશિયેશનના જર્નલમાં સાત ટ્રાયલના પરિણામ પ્રકાશિત થયા છે. તેમાં કહેવામાં આવ્યું છે કે આ બંને દવાઓ ગંભીર રીતે બીમાર લોકોમાં મોતનું જોખમ 20 ટકા સુધી ઓછું કરે છે.

સ્ટડીના લેખક અને ઇંગ્લેન્ડના બ્રિસ્ટલ યૂનિવર્સિટીના મહામારી વિજ્ઞાનના પ્રોફેસર જોનાથન સ્ટર્ને કહ્યુ, ‘સ્ટેરૉઇડ એક સસ્તી અને સરળતાથી ઉપલબ્ધ દવા છે અને અમારા વિશ્લેષણમાં ખાતરી થઇ છે કે કોરોનાના ગંભીર કેસમાં આ દવાઓ દર્દીઓને મરવાથી બચાવે છે. આ દવાઓ દરેક ઉંમર અને દરેક વર્ગના લોકો પર કામ કરે છે.’

આ રિકવરી ટ્રાયલ બ્રાઝીલ, ફ્રાન્સ સહિત કેટલાય દેશના લોકો પર કરવામાં આવ્યું છે. પ્રોફેસર જોનાથન સ્ટર્ને કહ્યુ, ‘આ તમામ ટ્રાયલના પરિણામોથી એક જ વાત સામે આવે છે કે હાઇડ્રોકાર્ટિસોન પણ ડેક્સામેથાસોન સ્ટેરોઇડની જેમ દર્દીઓ પર અસરકારક છે.’ ઑક્સફોર્ડ યૂનિવર્સિટીના પ્રોફેસર અને રિકવરી ટ્રાયલના ડેપ્યૂટી ચીફ ઇન્વેસ્ટીગેટર માર્ટિન લેન્ડરેનું કહેવું છે કે જ્યારે દર્દીને શ્વાસ લેવામાં પરેશાની થાય છે ત્યારે વેન્ટિલેટરની રાહ જોયા વગર તેને સ્ટેરોઇડ આપી શકાય છે.

આ દવાઓ પહેલાથી જ વ્યાપક પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવી રહી છે. મે મહીનામાં લગભગ 7-8 ટકા દર્દીઓને ડેક્સામેથાસોન આપવામાં આવી રહ્યું હતું જેનો ઉપયોગ જૂનના અંત સુધી લગભગ 55 ટકા સુધી વધી ગયો હતો. હાઇડ્રોકાર્ટિસોનનો ટ્રાયલ ઇમ્પીરિયલ કૉલેજ લંડનના પ્રોફેસર એન્થોની ગૉર્ડનના નેતૃત્વમાં કરવામાં આવ્યો હતો. આ ટ્રાયલ 88 હૉસ્પિટલના દર્દીઓ પર કરવામાં આવ્યો હતો.

પ્રોફેસર એન્થોનીએ કહ્યું, ‘ઈન્ટેન્સિવ કેરમાં અમે ઇમ્ફ્લેમેશન અને ગંભીર સંક્રમણને રોકવા માટે સ્ટેરોઈડનો ઉપયોગ કરીએ છીએ પરંતુ અમે જાણીએ છીએ કે આ ઇમ્યૂન સિસ્ટમને પણ દબાવવાનું કામ કરે છે અને આ નવા વાયરસની સાથે પરિસ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે.’

NHS અને વિશ્વભરની અન્ય હૉસ્પિટલમાં હવે કોરોના વાયરસના ગંભીર દર્દીઓ પર ડેક્સામેથાસોન અને હાઇડ્રોકાર્ટિસોનનો વધુ ઉપયોગ થવા લાગ્યો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.