ગાંધીજીની પ્રતિમા હોય એટલે કંઇ મંદિર નથી બની જતું, દેશી શરાબની દુકાનનું લાયસન્સ રદ કરવાનો કોર્ટનો ઇનકાર

કર્ણાટક હાઇકોર્ટે એક કેસની સુનાવણી દરમિયાન એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે કોઇ સ્થળે ગાંધીજીની છબી કે પ્રતિમા હોય એટલા માત્રથી એ સ્થળ પૂજાયોગ્ય કે મંદિર બની જતું નથી.

બેંગાલુરુના એક ધારાશાસ્ત્રીએ હાઇકોર્ટમાં એવી અરજી કરી હતી કે બેંગાલુરુના એમજી રોડ પર ગાંધીજીની પ્રતિમા છે ત્યાંથી 30 મીટર દૂર શરાબની દુકાનનું લાયસન્સ ન અપાવું જોઇએ. પોતાની આ અરજીના ટેકામાં વકીલે કર્ણાટક એક્સાઇઝ લાયસન્સ (જનરલ કન્ડીશન્સ) રુલ્સ 1967ની કલમ 3(3) ટાંકી હતી. આ કલમમાં જણાવાયા મુજબ ધર્મસ્થળ, પૂજાસ્થાન, મંદિર કે શિક્ષણ સંસ્થા નજીક શરાબની દુકાનનું લાયસન્સ આપી શકાય નહીં.

અરજદારે કહ્યું હતું કે મહાત્મા ગાંધીની પ્રતિમા સમક્ષ દર વરસે હજારો લોકો આદર વ્યક્ત કરવા આવે છે માટે એની નજીક શરાબની દુકાન ખોલવાનું લાયસન્સ આપી શકાય નહીં.

સોમવારે જસ્ટિસ અભય શ્રીનિવાસ ઓકાની બેંચ સમક્ષ આ અરજી નીકળતાં અદાલતે આ અરજી ફેંકી દીધી હતી અને કહ્યું હતું કે ખુદ ગાંધીજીએ કદી એવું વિચાર્યું નહોતું કે તેમની પૂજા થાય. અને ગાંધીજીની પ્રતિમા હોય એટલેએ પૂજા સ્થળ કે મંદિર બની જતું નથી.

આ પહેલાં અદાલતે જિલ્લાધિકારીને જુલાઇની નવમીએ સંબંધિત સ્થળે જઇને નિરીક્ષણ કરવાનું કહ્યું હતું. શરાબની દુકાનનું લાયસન્સ કયા ધારાધોરણના આધારે અપાયું હતું એની ચકાસણી કરવાનું જિલ્લા અધિકારીને કોર્ટે કહ્યું હતું. એમનો રિપોર્ટ મળ્યા બાદ અદાલતે આ નિરીક્ષણ કર્યું હતું.

અદાલતે આ અરજદારને કહ્યું હતું કે તમારી ગાંધીજી માટેની લાગણી કોર્ટ સમજે છે પરંતુ ગાંધીજીની છબી કે પ્રતિમા હોય તેથી એ સ્થળ પૂજાસ્થાન બની જતું નથી એ ધ્યાનમાં રહેવું ઘટે છે. જેમને ગાંધીજી માટે આદર છે એ ભલે આદર વ્યક્ત કરતા. ગાંધીજી પ્રત્યેના આદરને શરાબની દુકાનના લાયસન્સ સાથે કશી લેવાદેવા નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.