રાજદના તેજસ્વી યાદવે બિહારી પ્રજાને આજે રાત્રે લાઇટ બંધ કરીને ફાનસ સળગાવવાની હાકલ કરી

બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ યાદવના પુત્ર અને રાજદના નેતા તેજસ્વી યાદવે બિહારની પ્રજાને સોશ્યલ મિડિયા પર એવી હાકલ કરી હતી કે આજે બુધવાર નવમી સપ્ટેંબરે રાત્રે લાઇટ બંધ કરીને ફાનસ સળગાવજો.

નવેંબરમાં આવી રહેલી બિહાર વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેજસ્વીએ આ હાકલ કરી હતી. એણે સોશ્યલ મિડિયા પર લખ્યું હતું કે આજે નવમા મહિનાની નવમી તારીખ છે. રાત્રે નવ વાગીને નવ મિનિટે લાઇટ બંધ કરીને ફાનસ સળગાવી અમને ટેકો જાહેર કરજો. ફાનસ રાજદનું ચૂંટણી નિશાન છે. છેલ્લા થોડા સમયથી તેજસ્વી સતત જદયુના નેતા અને બિહારના મુખ્ય પ્રધાન નીતિશ કુમાર યાદવ પર શાબ્દિક હુમલો કરતો રહ્યો હતો.

ખાસ કરીને બિહારના સેંકડો ગામડાંમાં આવેલાં પૂર, લૉકડાઉનના પગલે હજારો યુવાનો બેરોજગાર થયા એ મુદ્દે તેજસ્વીએ નીતિશ કુમાર પર હુમલા કર્યા હતા. એણે કહ્યું હતું કે રાજ્ય સરકારને બેકાર યુવાનોની જરા પણ ચિંતા નહોતી. તેણે એવો દાવો કર્યો હતો કે રાજદ સત્તા પર આવશે તો સૌ પ્રથમ બેકાર યુવાનોને કામ આપવાની તજવીજ કરશે.

લાલુ યાદવ જેવો કરિશ્મા એના સંતાનોમાં નથી. લાલુ યાદવ ચારા કૌભાંડમાં જેલમાં છે અને એટલું ઓછું હોય તેમ એને અપાયેલી સિક્યોરિટીના પોલીસ જવાનોને કોરોના થતાં લાલુના સિક્યોરિટી જવાનોને દૂર કરાયા  હતા. સાથોસાથ લાલુને જે બંગલામાં નજરકેદ કરાયા હતા ત્યાં એ અગાઉની જેમ દરબાર ન ભરી શકે એટલા માટે ખાસ ત્રણ શીફ્ટમાં ડિસ્ટ્રીક્ટ મેજિસ્ટ્રેટને ગોઠવવામાં આવ્યા હતા. આ મેજિસ્ટ્રેટ લાલુને કોણ ક્યારે કેટલા સમય માટે મળવા આવે છે એ બધી બાબતોની નોંધ રાખતા હોવાથી લાલુ માટે દરબાદર ભરવાની શક્યતા નષ્ટ થઇ ગઇ હતી.

આ વખતે રાજદે જદયુ ઉપરાંત લોજપનો પણ સામનો કરવાનો છે કારણ કે નીતિશ કુમાર અમારી અવગણના કરે છે એવો આક્ષેપ કરીને ચિરાગ પાસવાને સ્વતંત્ર રીતે ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી. આમ હવે જદયુ, રાજદ, લોજપ અને કોંગ્રેસ એમ ચાર પાચ જૂથો થઇ ગયા હતા.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.