રાજઘાની દિલ્હીના VVIP વિસ્તારની સિવિલ લાઇન્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ભત્રીજી સાથે લૂંટની ઘટના બની હતી. સ્કૂટી પર આવેલા 2 શખ્સોએ તેમનું પર્સ છીનવી લીધું હતું. આ ઘટનાથી દિલ્હીમાં કાયદા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે. દમયંતી મોદી નરેન્દ્ર મોદીના ભાઇ પ્રહલાદ મોદીની પુત્રી છે. પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવતી વખતે દમયંતી મોદીએ એવું નહોતું કહ્યું કે તે વડાપ્રધાનની ભત્રીજી છે, પરંતુ મીડિયા દ્વારા પોલીસને જાણ થતા પોલીસે તાબડતોડ આરોપીની શોધખોળ હાથ ધરી છે.
વાત એવી છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાઈની દીકરી દમયંતી મોદી આજે સવારે અમૃતસરથી દિલ્હી પરત ફરી રહી હતી, ત્યારે તેનો રૂમ સિવિલ લાઇન વિસ્તારના ગુજરાતી સમાજ ભવનમાં બૂક હતો. એટલે ઓલ્ડ દિલ્હીથી ઓટોથી તે પોતાના પરિવાર સાથે ગુજરાતી સમાજ ભવન પહોંચી હતી. ગેટ પર જ્યારે તે ઓટોમાંથી ઉતરી રહી હતી, ત્યારે જ એક સ્કૂટીમાં સવાર બે ચોરોએ તેનું પર્સ છીનવી લીધું હતું.
દમયંતીએ જોર-જોરથી બૂમાબૂમ પણ કરી હતી, પરંતુ ચોરો ભાગી ગયા હતા. દમયંતીના પર્સમાં લગભગ 56000 રૂપિયા, મોબાઇલ ફોન અને તમામ મહત્ત્વના કાગળ હતા. તેને સાંજની ફ્લાઇટથી અમદાવાદ જવાનું છે, પરંતુ તેના દસ્તાવેજો ગાયબ થઈ ગયા છે. હાલ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. સિવિલ લાઇન વિસ્તારની વાત કરીએ તો, તે દિલ્હીનો એક VVIP વિસ્તાર છે. દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરનું ઘર પણ આ જ વિસ્તારમાં છે. દિલ્હીના મુખ્યમંત્રીનું નિવાસસ્થાન પણ થોડે દૂર છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.