બ્રહ્માજીએ નિર્મિત કરેલ તીર્થરાજ પુષ્કરમાં કરેલી શ્રાદ્ધ ક્રિયા પિતૃઓને મુક્તિ અને પરમ શાંતિ પ્રદાન કરે છે

– તીર્થરાજ પુષ્કરનો સંબંધ મોક્ષદાયક છે. ‘તીર્યતે તારયતિ અનેેન ઇતિ તીર્થ’ જેનો સંબંધ કરવાથી સંસાર સાગરથી તરી જવાય અને ત્યાં કરેલ શ્રાદ્ધ ક્રિયાથી પિતૃઓને પણ તારી ભગવાનના દિવ્ય ધામમાં પહોંચાડી શકાય તેનું નામ તીર્થ.

‘યથા સુરાણાં સર્વેષામાદિસ્તુ પુરુષોત્તમ ।

તથૈવ પુષ્કરં રાજંસ્થતીર્થાનામાદિરુચ્યતે ।।

યસ્તુ વર્ષશતં પૂર્ણમગ્નિહોત્રમુપાચરેત ।

કાર્તિકી વા વસેદેકાં પુષ્કરે સમમેવ તત્।।

જે રીતે દેવોમાં મધુસૂદન (ભગવાન વિષ્ણુ) સર્વશ્રેષ્ઠ છે, તે જ રીતે તીર્થોમાં પુષ્કર આદિ તીર્થ છે. કોઈ સો વર્ષ સુધી સતત અગ્નિહોત્રની ઉપાસના કરે કે કાર્તિકપૂર્ણિમાની એક રાત્રિ પુષ્કર તીર્થમાં વાસ કરે એ બન્નેનું ફળ એકસરખું જ છે.’

– પદ્મપુરાણ, આદિ ખણ્ડ, ૧૧ મહાભારત, તીર્થયાત્રા-૮૨

પુષ્કર તીર્થરાજ છે. પુષ્કરની ગણના પંચતીર્થોમાં અને પંચ સરોવરોમાં થાય છે. પુષ્કર, કુરુક્ષેત્ર, ગયા, ગંગાજી અને પ્રભાસ એ પાંચ મુખ્ય તીર્થો છે. માનસરોવર, પુષ્કર, બિંદુ સરોવર,  નારાયણ સરોવર અને પમ્પા સરોવર એ પાંચ મુખ્ય સરોવરો છે. પુષ્કર પાપનાશક, પુણ્યોદયકારક, પિતૃઉદ્ધારક સિદ્ધ તીર્થ છે. અજમેરથી સાત માઇલ દૂર આ દિવ્ય પુણ્યક્ષેત્ર આવેલું છે. પુષ્કરના કિનારે ગૌઘાટ, બ્રહ્મઘાટ, કપાલમોચન ઘાટ, યજ્ઞાઘાટ, બદરી ઘાટ, રામ ઘાટ અને કોટિ તીર્થ ઘાટ આવેલા છે. પુષ્કર સરોવરથી સરસ્વતી નદી નીકળે છે જે સાબરમતી નદીને મળ્યા પછી લુણી નદી તરીકે ઓળખાય છે.

પુષ્કર સરોવર ત્રણ છે : જ્યેષ્ઠ પુષ્કર, મધ્ય પુષ્કર અને કનિષ્ઠ પુષ્કર. જ્યેષ્ઠ પુષ્કરના દેવતા બ્રહ્મા છે, મધ્ય પુષ્કરના દેવતા વિષ્ણુ છે અને કનિષ્ઠ પુષ્કરના દેવતા રુદ્ર છે. પુષ્કરનું મુખ્ય મંદિર બ્રહ્માજીનું મંદિર છે. તે સરોવરથી થોડા જ અંતરે આવેલું છે. મંદિરમાં ચતુર્મુખ બ્રહ્માજી જમણી તરફ સાવિત્રીદેવી અને ડાબી તરફ ગાયત્રી દેવીનું મંદિર છે. નજીકમાં સનકાદિ મુનિઓની મૂર્તિઓ છે. એક મંદિરમાં હાથી ઉપર બેઠેલા કુબેર અને નારદજીની મૂર્તિઓ પણ છે.

પદ્મપુરાણમાં જણાવ્યા અનુસાર સૃષ્ટિના આરંભ કાળે પુષ્કર તીર્થમાં વજ્રનાભ નામનો રાક્ષસ રહેતો હતો. તે બાળકોને મારી નાખતો હતો તેનો વધ કરવા બ્રહ્માજીએ સંકલ્પ કર્યો. ભગવાન વિષ્ણુની નાભિમાંથી નીકળેલા કમળમાંથી બ્રહ્માજી સ્વયં જ્યાં પ્રગટ થયા હતા તે સ્થળ પર તે આવ્યા તેમણે એ ક્ષેત્રમાં રહેતા વજ્રનાભ રાક્ષસ પર પોતાના હાથથી કમળ ફેંક્યું એટલા પ્રહારથી જ વજ્રનાભનું મરણ થઈ ગયું. ત્યારબાદ બ્રહ્માજીએ ત્યાં સરોવર બનાવ્યું જે પુષ્કર સરોવર તરીકે ઓળખાય છે.

પુષ્કર ક્ષેત્રમાં  બ્રહ્માજીને યજ્ઞા કરવાની પણ ઇચ્છા થઈ. ચંદ્ર નદીની ઉત્તરમાં, સરસ્વતી નદીની પશ્ચિમમાં, નંદનસ્થાનની પૂર્વમાં કનિષ્ઠ પુષ્કરની દક્ષિણમાં આ બધાના મધ્યવર્તી ક્ષેત્રમાં યજ્ઞાવેદી બનાવવામાં આવી. બ્રહ્માજીના યજ્ઞામાં બધા દેવો અને ઋષિઓ પધાર્યા. ઋષિઓએ આસપાસ એમના આશ્રમો પણ બનાવી દીધા અને તેમાં રહેવા લાગ્યા. ભગવાન શંકર પણ કપાલધારી બનીને આવ્યા. યજ્ઞાના આરંભકાળે બ્રહ્માજીના પત્ની સાવિત્રીદેવીને આવતા બહુ મોડું થયું.

યજ્ઞાનું મુહૂર્ત વીતી જાય એવા સંજોગો ઉભા થયા એટલે બ્રહ્માજીએ ગાયત્રી નામની ગોપકન્યા સાથે લગ્ન કરી એને પત્નીનો દરજ્જો આપી એને પોતાની બાજુમાં બેસાડી યજ્ઞાનો આરંભ કરાવ્યો. જ્યારે સાવિત્રીદેવી આવ્યા અને પોતાના બેસવાના સ્થાને ગાયત્રીને જોઈ કુપિત થઈ તે સ્થળ છોડી પર્વત પર જતા રહ્યા. પછી બ્રહ્માજીએ તેમને મનાવી તે પર્વત પર બીજો યજ્ઞા કર્યો અને તેમાં સાવિત્રીદેવીને સાથે રાખ્યાં.

એવું કહેવાય છે કે, આ પુષ્કર તીર્થમાં જ બ્રહ્માજીની નાસિકામાંથી ભગવાન વિષ્ણુ વરાહરૂપે પ્રગટ થયા હતા. આમ જ્યેષ્ઠ પુષ્કર, મધ્ય (વૃદ્ધ) પુષ્કર અને કનિષ્ઠ પુષ્કર એ ત્રણેય તીર્થો ઉપરાંત બ્રહ્માજી, વરાહ ભગવાન, કપાલેશ્વર, શિવ, પર્વત પર સાવિત્રી દેવી, ગાયત્રી દેવી અને બ્રહ્માજીના યજ્ઞાના મુખ્ય મહર્ષિ અગસ્ત્ય આ ક્ષેત્રના મુખ્ય દેવતાઓ રૂપે બિરાજે છે. પુષ્કર પાસે શુદ્ધવાપી નામનો ‘ગયાકુણ્ડ’ છે. એ જગ્યાએ લોકો શ્રાદ્ધ કર્મ કરે છે. આ સ્થળે કરેલું શ્રાદ્ધ પિતૃઓને મોક્ષપ્રદાન કરે છે.

પદ્મપુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે, ભગવાન શ્રીરામના પિતા દશરથને દેહ છોડતી વખતે પુત્ર મોહ ચિત્તમાં એવો છવાઈગયો હતો કે એનાથી ભારે ગ્લાનિ, સંતાપ અને દુ:ખ અનુભવાયા હતા. ચિત્તની આવી સ્થિતિને કારણે મુક્તિ પ્રાપ્ત થઈ શકી નહોતી. એટલે ભગવાન શ્રીરામે પુષ્કર તીર્થક્ષેત્રમાં એમના પિતાજીનું શ્રાદ્ધ કર્મ કર્યું હતું.

એનાથી દશરથના આત્માને પરમ શાંતિ અને પુનરાવૃત્તિમાંથી મુક્તિ પ્રાપ્ત થઈ હતી. શાસ્ત્રોએ દર્શાવેલા મહિમા અનુસાર એવું માનવામાં આવે છે કે પુષ્કરના આ પવિત્ર સરોવરમાં શ્રાદ્ધ પક્ષમાં ભાદરવા વદ ચોથ સાથે મંગળનો યોગ આવે ત્યારે એમાં કરેલું સ્નાન અત્યધિક પુણ્યકારક બને છે.

તીર્થરાજ પુષ્કરનો સંબંધ મોક્ષદાયક છે. ‘તીર્યતે તારયતિ અનેેન ઇતિ તીર્થ’ જેનો સંબંધ કરવાથી સંસાર સાગરથી તરી જવાય અને ત્યાં કરેલ શ્રાદ્ધ ક્રિયાથી પિતૃઓને પણ તારી ભગવાનના દિવ્ય ધામમાં પહોંચાડી શકાય તેનું નામ તીર્થ. પુષ્કર તીર્થમાં કરેલા શ્રાદ્ધ, જપ- તપ, દાન પિતૃઓના અપાર આશિષ અપાવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.