સત્રના પ્રથમ દિવસે જ 30 સાંસદો, સંસદના 50 કર્મચારીઓને કોરોના

– મિનાક્ષી લેખી, રિટા બહુગુણા, અનંત કુમાર ર્ક્વારન્ટાઇન

સંસદમાં ચોમાસુ સત્રની શરૂઆત થઇ ગઇ છે. જોકે પહેલા દિવસે દરેક સાંસદોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં આશરે 30 જેટલા સાંસદો અને સંસદના સ્ટાફના 50 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેથી તેમને સંસદમાં પ્રવેશ નહીં મળે.

આ સાંસદોને કોરોનાની સારવાર અપાઇ રહી છે. જેમની સિૃથતિ વધુ ખરાબ છે તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા છે જ્યારે અન્યોએ પોતાને ઘરે જ ક્વોરન્ટાઇન કર્યા છે.

જે સાંસદોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે તેમાં જૂનિયર રેલવે મંત્રી સુરેશ અંગાડી, ભાજપના સાંસદ મિનાક્ષી લેખી, અનંત કુમાર હેગ્ડે, પરવેશ સાહિબ સિંહ, રિટા બહુગુણા, કૌશલ કિશોરનો સમાવેશ થાય છે. 30માંથી સૌથી વધુ 17 સાંસદો લોકસભાના છે જ્યારે અન્ય રાજ્યસભાના સાંસદ છે.

રાજ્યસભામાં કોંગ્રેસના નેતા દીપેન્દરસિંહ હુડ્ડા, નારણ જે રાઠવા, ભાજપના સાંસદ અશોક ગસ્ટી, અભય ભારદ્વાજ, એઆઇએડીએમકેના નવનીતકિશનન, આપના સુશિલ કુમાર ગુપ્તા, ટીઆરએસના લક્ષ્મીકાંતા રાવ, એઆઇટીસીના શાંતા છેત્રીનો સમાવેશ થાય છે.

ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)એ જણાવ્યું હતું કે સાંસદો અને અન્ય સ્ટાફ મળીને 2500 સેંપલ લેવામાં આવ્યા હતા. દરમિયાન અનેક  સાંસદોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આમ આદમી પાર્ટીના એક સાંસદનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે  ત્યારે આપના દિલ્હીના ઉપ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાને તાવ આવ્યો છે તેથી તેમણે પોતાને આઇસોલેટ કરી લીધા છે અને સાથે જ તેમનો કોરોના રિપોર્ટ પણ કરવામાં આવશે.

સોમવારે દિલ્હી વિધાનસભામાં એક દિવસ માટે સત્ર બોલાવાયું હતું. જેમાં પ્રશ્નકાળ નહોતો રાખવામાં આવ્યો. દરમિયાન મનીષ સિસોરિયા એક બિલ રજુ કરવાના હતા પણ તેઓની તબિયત અચાનક ખરાબ થતા તેઓ સત્રમાં સામેલ ન થઇ શક્યા. તેઓને તાવ આવતો હોવાથી ખુદને આઇસોલેટ કર્યા છે.

બીજી તરફ કોંગ્રેસના વરીષ્ઠ નેતા અને છત્તિસગઢના પૂર્વ મંત્રી 78 વર્ષીય ચાનેશ રામ રાઠીયાને કોરોના થયો હતો જેને પગલે તેઓનું નિધન થયું છે. તેઓને રાઇગઢની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે ઓડિશાના શિક્ષણ મંત્રી સમિર રંજન દાસનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેથી તેમને સારવાર અપાઇ રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.