કોરોના મહામારીના કારણે વિશ્વભરના કલબ ફૂટબોલને ૧૪ અબજ ડોલરનું જંગી નુકસાન થયું હતુ, તેવી જાહરાત આંતરરાષ્ટ્રીય ફૂટબોલની સર્વોચ્ચ સંસ્થા ફિફાએ કરી છે. આ નુકસાન કલબ ફૂટબોલની કુલ આવકના ત્રીજા ભાગ જેટલું છે. કોરાના કારણે કલબોને સ્પોન્સર્સ ગુમાવવા પડયા છે. ખેલાડીઓ-કર્મચારીઓના પગાર પર કાપ મૂકવાથી માંડીને કેટલીક કલબોએ મોટાપાયે છટણી પણ કરી હતી. હવે કલબ અને આંતરરાષ્ટ્રીય ફૂટબોલ શરૃ થયું છે, પણ આર્થિક રીતે પરિસ્થિતિમાં ખાસ સુધારો થયો હોય તેવું દેખાતું નથી.
ફિફાએ મહામારીના કારણે સર્જાયેલી આર્થિક કટોકટીની સ્થિતિને નિવારવા માટે એક વિશેષ સમિતિની રચના કરી છે. આ સમિતિના વડા ઓલી રેહ્ને જણાવ્યું કે, અમે કેટલાક નાણાંકિય સહાયકોની સાથે મળીને અંદાજ માંડયો છે કે, વૈશ્વિક કલબ ફૂટબોલની વર્થ ૪૦ થી ૪૫ અબજ ડોલરની વચ્ચે છે. હાલના તબક્કે નુકસાનની વાત કરીએ તો તે ૧૪ અબજ ડોલર જેટલું છે. ત્રણ મહિનાની અનિશ્ચિતતા બાદ ફૂટબોલ જગત ફરી શરૃ તો થયું છે, પણ જો મહામારી જારી રહેશે તો પરિસ્થિતિ વધુ કફોડી બની શકે છે.
યુરોપીયન સંઘના ભૂતપૂર્વ કમિશનર અને હાલમાં બેન્ક ઓફ ફિનલેન્ડના ગવર્નર રેહ્ન કહે છે કે, કોરોનાના મહામારીના કારણે જુદા-જુુદા સ્તરે અનેક સમસ્યા સર્જાઈ છે અને ઘણી પ્રોફેશનલ કલબોની સામે અનેક પ્રશ્નો અને સમસ્યા છે. યુથ એકેડમીઓ અને લોઅર ડિવિઝન કલબોની ચિંતા મને સતાવી રહી છે.
દક્ષિણ અમેરિકી ફૂટબોલને સૌથી વધુ અસર પહોંચી છે. જ્યારે એશિયા અને આફ્રિકાના ફૂટબોલની હાલત પણ ચિંતાજનક છે. ફિફાએ મહામારીના કારણે અસર પામેલી કલબો અને ફેડરેશનોને મદદ કરવા માટે ૧૫ અબજ ડોલરની ફાળવણી કરી છે. ફિફાના સભ્ય દેશોની સંખ્યા ૨૧૧ છે, જેમાંથી ૧૫૦ દેશોએ કોરોનાના કારણે થયેલા આર્થિક નુકસાનને પગલે વળતરની માગણી કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.