ચીન શાંતિની વાતો કરે છે પણ વર્તન અશાંતિભર્યું : રાજનાથ સિંહ

ચીન સંઘર્ષ મુદ્દે આજે રાજનાથ સિંહે રાજ્યસભામાં વિગતવાર જવાબ અને ખુલાસો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ચીન સરહદી કરારનો ભંગ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. પણ ચીને સમજવું જોઈએ કે આ સરહદી સંઘર્ષની અસર બન્ને દેશના સબંધો પર પડશે જ.

ચીન વાતો શાંતિની કરે છે અને વર્તન અશાંતિપૂર્વકનું કરે છે. તેમણે કહ્યું હતું કે છેલ્લા ઘણા સમયથી ચીન સરહદે ઉશ્કેરણીજનક પગલાં ભરી રહ્યું છે, પણ ભારતના જવાનો તેને સફળ થવા દેતા નથી અને દેશે નહીં.

દરમિયાન વિપક્ષોએ રાજ્યસભામાં કહ્યું હતું કે અમે દેશના જવાનો સાથે છીએ. સરહદની જે સ્થિતિ એપ્રિલ પહેલા હતી એ ફરીથી લાવવા જરૂરી પગલાં સરકારે લેવા જોઈએ. એ.કે.એન્ટની, ગુલામ નબી આઝાદ સહિતના વિપક્ષી નેતાઓએ સરકારને પુરતાં પગલાં ભરવા આગ્રહ કર્યો હતો. અન્ય વિપક્ષી નેતાઓએ પણ પડોશી દેશના પાઠ ભણાવવો જોઈએ એવો સૂર વ્યક્ત કર્યો હતો.

ચીનનો પહેલો પ્રયાસ ભારતના સૈનિકો પેટ્રોલિંગ ન કરી શકે એવો છે. એ અંગે રાજનાથ સિંહે કહ્યું હતું કે દુનિયાની કોઈ તાકાત ભારતના સૈનિકોને સરહદે પહેરો ભરતા અટકાવી નહીં શકે. તેમણેે કહ્યું હતું કે ભારતના સૈનિકો વર્ષોથી જે રીતે પેટ્રોલિંગ કરતા આવ્યા છે એમ જ કરે છે. પરંતુ હવે ચીન ત્યાં ચંચૂપાત કરવા માંગે છે, માટે સંઘર્ષ ઉભો થયો છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અનુરાગ શ્રીવાસ્તવે પણ આજે ફરીથી સ્પષ્ટતા કરી હતી કે ચીન પહેલા તેની સેના હટાવે, એપ્રિલ પહેલા હતા ત્યાં જતા રહે. પછી જ ભારત પીછેહટ કરશે.

ચીન-ભારત વચ્ચે કાયમી અને નક્કી થયેલી સરહદ નથી. જે સરહદ છે એ કામચલાઉ છે અને હાલ તેને જ કાયમી માની લેવાઈ છે. ઈન્ટરનેશનલ બોર્ડરની માફક સ્પષ્ટ ડિમાર્કેશન ન હોવાથી ચીન મન પડે ત્યારે ઘૂસણખોરીના પ્રયાસો કરતું રહે છે.

આ સંજોગોમાં ભારતે હવે સરહદે પુરતા સૈનિકો અને સરંજામ ગોઠવી દીધો છે, તેમ પણ તેમણે ઊમેર્યું હતું. તેમણે કહ્યું હતું કે હિમાલયની એ ઊંચાઈઓ પર પેટ્રોલિંગ કરતા રહેવામાં મુશ્કેલી જરૂર પડશે, પણ ભારતના સૈનિકો એ માટે પૂર્ણપણે તૈયાર છે.

અમે ભારતની પડખે  સિંગાપોરના રાજદૂત

સિંગાપોરના નવા નિમાયેલા રાજદૂત સિમોન વાંગે આજે ભારત-ચીન સબંધે કહ્યું હતું કે ભારત સાથેના સબંધો અમારી પ્રાથમિકતા છે. સિંગાપોર એક ટાપુ દેશ છે અને આખો દેશ શહેરમાં જ પુરો થઈ જાય છે. ચીનથી ખાસ્સે દૂર હોવા છતાં સિંગાપોરને જળસીમા અંગે ચીન સાથે વિવાદ ચાલે જ છે. વાંગે કહ્યું હતું કે ચીન સાથેનો આ સંઘર્ષ વહેલી તકે ઉકેલાય એવુ લાગતું નથી. આ વિખવાદ લાંબો ચાલે એવી શક્યતા છે. તેમણે આશાવાદ વ્યક્ત કર્યો હતો કે શાંતિથી જ સમસ્યાનો ઉકેલ આવે.

પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાનને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપશે

પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરનો મોટો ભાગ ગિલગિટ અને બાલ્ટિસ્તાન વિસ્તાર રોકે છે. આ બન્ને વિસ્તારો ભારતના છે, પરંતુ અત્યારે પાકિસ્તાનના તાબામાં છે. હવે પાકિસ્તાને આ વિસ્તારને પૂર્ણ રાજ્ય-પ્રદેશનો દરજ્જો આપવાનું નક્કી કર્યું છે. પાકિસ્તાની વડા પ્રધાન ઈમરાન ખાન ટૂંક સમયમાં એ વિસ્તારની મુલાકાત લઈને આ જાહેરાત કરે એવી  સંભાવના છે. એે પછી પાકિસ્તાનના બંધારણ પ્રમાણે સંસદમાં પણ આ વિસ્તારને પૂરતું પ્રાધાન્ય મળશે. મૂળભૂત રીતે પાકિસ્તાન ગિલગિટ-બાલ્ટિસ્તાનની પ્રજા સાથેે સતત અન્યાય કરતું આવ્યું છે. ભારત વર્ષોથી આ ભાગ પોતાનો જ માને છે અને એ માટેના પાકિસ્તાનના તમામ પગલાંનો વિરોધ કરી ચૂક્યું છે. પાકિસ્તાનના આ લેટેસ્ટ નિર્ણયનો પણ ભારત વિરોધ કરશે જ.

ચીનનું દેવુ ચૂકવવા માલ્દિવ્સે પોણો દેશ ગિરવે મુકવો પડે એવી સ્થિતિ

દેવાની જાળમાં ફસાવી નાના દેશોને તાબે કરવાની ચીનની નીતિ રહી છે. એ નીતિનો ભોગ અગાઉ શ્રીલંકા સહિતના દેશો બની ચૂક્યા છે. હવે આ જાળમાં માલદિવ્સ ફસાયું છે.માલદિવ્સનું કુલ અર્થતંત્ર 4.9 અબજ ડૉલરનું છે અને એમાં ચીનને તેણે 3.1 અબજ ડોલરનું દેવુ ચૂકવવાનું છે. એ સંજોગોમાં માલદિવ્સ અડધો-પોણો દેશ ગિરવે મુકીને નાણા ચૂકવે અથવા તો સંપૂર્ણ શરણાગતિ સ્વિકારી લે એ સિવાય કોઈ વિકલ્પ બાકી નથી. 2013-18 દરમિયાન સત્તા પર રહેલા અબ્દુલ્લા યામીન ચીનની નિકટ હતા અને તેમણે ચીન પાસેથી પુષ્કળ આર્થિક સહાય મેળવી હતી. એટલું જ નહીં ચીન સાથે મળીને જ યામીને વિપક્ષી નેતાઓને જેલભેગા કર્યા હતા. પરંતુ હવે તેમના પરિણામો માલદિવ્સની જનતાએ ભોગવવા પડે એવી સ્થિતિ આવી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.