મહારાષ્ટ્ર સરકાર મરાઠા અનામત પર સુપ્રીમ કોર્ટની રોકના આદેશને પડકારશે. મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી અને કોંગ્રેસ નેતા અશોક ચૌહાણે આ વાત કહી છે. જણાવી દઇએ કે સુપ્રીમ કોર્ટે હાલમાં જ એક વચગાળાનો આદેશ જાહેર કરતા 2018ના રાજ્યના તે કાયદાના અમલ પર રોક લગાવી હતી જેમાં સરકારી નોકરીઓ અને શિક્ષણમાં મરાઠા સમુદાયને અનામત આપવાની વાત કરવામાં આવી હતી.
જ્યારે ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે કહ્યું કે, મરાઠા અનામતના ક્રિયાન્વયન પર રોક લગાવવાના સુપ્રીમ કોર્ટના નિર્ણયથી તેઓ સ્તબ્ધ છે. વિધાનસભામાં વિપક્ષના નેતા ફડનવીસે કહ્યું કે, કોર્ટનો આ સંબંધમાં નિર્ણય અસાધારણ છે કારણ કે બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્રમાં સરકારી નોકરી અને શૈક્ષણિક સંસ્થાનોમાં મરાઠા સમુદાયના લોકોને અનામત આપવાના 2018ના અધિનિયમને યથાવત્ રાખ્યો હતો.
આ અધિનિયમ તે સમયે પસાર કરવામાં આવ્યો હતો જ્યારે રાજ્યમાં ફડનવીસ ભાજપ-શિવસેના સરકાર સત્તામાં હતી. તેમણે આ મુદ્દાને લઈને રાજ્યની હાલની શિવસેના સરકાર પર નિશાન સાધ્યું તેમણે કહ્યું કે, તાર્કિક દલીલ આપવાની જગ્યાએ કેટલાંક નેતાઓ આ વિષયને લઈને કેન્દ્ર પર આંગળી ઉઠાવી રહ્યાં છે. તે પોતાના ખરાબ કામકાજમાંથી ધ્યાન ભટકાવવાનું બહાનું છે.
જ્યારે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું કે, જ્યારે પોલીસ ભરતી કરવામાં આવશે તો રાજ્ય સરકાર મરાઠા સમુદાયને ન્યાય અપાવવાનો પ્રયાસ કરશે. સરકાર કાયદાકીય પાસાને તપાસ બાદ સમુદાય માટે 13% પદો અલગથી રાખશે. મહારાષ્ટ્ર કેબિનેટે બુધવારે 12,528 પોલીસ કોન્સ્ટેબલોની ભરતીને મંજુરી આપી હતી. મંત્રીએ કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર એ સુનિશ્ચિત કરવા માટેના તમામ પ્રયાસો કરી રહી છે કે મરાઠા અનામત જળવાય રહે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.