“ઇસ્લામી જિહાદનો શિકાર બન્યા છે પંડિતો”; કશ્મીરી પંડિતોનો પ્રશ્ન બ્રિટિશ સંસદમાં ગાજ્યો

છેક 1988-89થી બેઘર થયેલા કશ્મીરી પંડિતોનો પ્રશ્ન બ્રિટિશ સંસદમાં ગાજ્યો હતો. શાસક પક્ષના સાંસદ બૉબ બ્લેકમેને સોમવારે કશ્મીરી પંડિતો ઇસ્લામી જિહાદનો શિકાર બન્યા છે એવો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.

આ પ્રસ્તાવને ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પક્ષના સાંસદ જિમ શૅનોન અને લેબર પાર્ટીના સાંસદ વીરેન્દ્ર શર્માએ સમર્થન આપ્યું હતું. હાઉસ ઑફ કોમન્સ (આમસભા)માં રજૂ થયેલા અર્લી ડે મોશનમાં 1989માં બેઘર થયેલા લાખો કશ્મીરી પંડિતો પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરાઇ હતી.

આ પ્રસ્તાવમાં જીવ બચાવવા નાસી ગયેલા પંડિતોની દુર્દશાને જેનોસાઇડ (નરસંહાર ) તરીકેની શ્રેણીમાં ગણવાની ભલામણ કરાઇ હતી. આ પ્રસ્તાવમાં ભારત સરકારને એવી હાકલ કરાઇ હતી કે આ નરસંહારને રોકવા ખાસ કાયદો ઘડો. તમે યુનોમાં નરસંહારના અપરાધ રોકવા માટે થયેલી સમજૂતીમાં સહી સિક્કા કર્યા હતા. માટે તમારી આ જવાબદારી સંભાળો અને નરસંહારને રોકવાનો કડક કાયદો બનાવો.

સાંસદ બૉબ બ્લેકમેને કહ્યું કે ત્રીસ વર્ષ પહેલાં પોતાના સેંકડો વર્ષ જૂના ઘરોને છોડવાની ફરજ પડેલી એવા લાખો પંડિતોને પોતાને ન્યાય મળશે એવો ઇંતેજાર છે.  કશ્મીરમાં હિન્દુઓ પર થયેલા અત્યાચારો માટે હું સતત અવાજ ઊઠાવતો રહ્યો છું. એમના અધિકારો માટે મેં આંદોલન પણ કર્યું. નરસંહારને રોકવાને લગતો કાયદો ભારતમાં નથી એટલે પંડિતોને ન્યાય મેળવવામાં વિલંબ થયો. દોષિતોને આજ સુધી સજા મળી નથી. પંડિતો આજે પણ નિરાશ્રિતોની જેમ રઝળે છે. બ્રિટનમાં નરસંહારના અપરાધોની સજા નક્કી કરવાનો એક ચોક્કસ કાયદો છે. ભારત સરકાર પણ પોતાના નાગરિકોને એમનો વાજબી અધિકાર આપવા માટે આવો કાયદો ઘડશે એવી મને આશા છે.

બૉબે વધુમાં કહ્યું કે જેનોસાઇડ કન્વેન્શન 1948  હેઠળ  દરેક દેશને પોતાના નાગરિકોના રક્ષણ માટે નરસંહારના અપરાધો રોકવા માટે કડક કાયદો ઘડવાનો અધિકાર છે અને એમ કરવાની દરેક દેશની ફરજ પણ છે. ભારત સરકાર ત્વરિત આવો કાયદો ઘડીને પંડિતોને ન્યાયપૂર્વકનો અધિકાર આપશે એવી મને આશા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.