દેશમાં એક દિવસમાં વધુ 1176નાં મોત સાથે કુલ મૃત્યુઆંક 84297, મૃત્યુદર 1.64 ટકા
દેશમાં કોરોનાની સિૃથતિ વધુ ને વધુ વકરી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી એક જ દિવસમાં કોરોનાના 95,000થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. ગુરૂવારે 24 કલાકમાં કોરોનાના 98,000થી વધુ કેસ નોંધાતા કોરોનાના કુલ કેસ બાવન લાખને પાર થઈ ગયા હતા.
દેશમાં ગુરૂવારે 24 કલાકમાં કોરોનાના 98,190 કેસ નોંધાયા હતા જ્યારે 1,176નાં મોત નીપજ્યાં હતાં. આ સાથે કોરોનાના કુલ કેસ 52,02,223 થયા હતા અને મૃત્યુઆંક 84,297 થયો હતો. આ સમયમાં કોરોનાના કુલ 40,95,217 દર્દીઓ સાજા થયા છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું.
દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આ મહિનાના પ્રારંભમાં એટલે કે 1લી સપ્ટેમ્બરે કોરોનાના કુલ કેસ 37.57 લાખથી વધુ હતા, જે આજે ગુરૂવારે વધીને બાવન લાખને પાર થઈ ગયા છે. દેશમાં છેલ્લા 17 દિવસમાં કોરોનાના 14.44 લાખથી વધુ કેસ નોંધાયા છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોનાના કુલ કેસ 11.45 લાખને પાર થઈ ગયા છે જ્યારે મૃત્યુઆંક 31,351 થયો છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને ગુરૂવારે જણાવ્યું હતું કે, દેશમાં હાલ કોરોનાનો મૃત્યુદર 1.64 ટકા છે, જે વિશ્વમાં સૌથી નીચા મૃત્યુદરમાંથી એક છે. જોકે, કેન્દ્ર સરકાર મૃત્યુદર 1 ટકાથી નીચે લાવવા પ્રયાસ કરી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે, દેશમાં કોરોનાનો રિકવરી રેટ 78થી 79 ટકા છે, જે વિશ્વમાં સૌથી ઊંચા રિકવરી રેટમાંનો એક છે.
કોરોનાના કુલ કેસ 52 લાખને પાર થઈ ગયા છે, પરંતુ કોરોનામુક્ત થયેલા લોકોનો આંક પણ 41 લાખ નજીક પહોંચી ગયો છે. આમ કોરોનાના એક્ટિવ કેસ 20 ટકાથી પણ ઓછા છે. તેમણે ઉમેર્યું હતું કે આગામી વર્ષના પ્રારંભમાં દેશમાં કોરોનાની રસી મળતી થવાની સંભાવના છે, પરંતુ ત્યાં સુધી લોકો સોશિયલ ડિસ્ટન્સ જાળવે અને માસ્ક પહેરે તે ખૂબ જ જરૂરી છે.
તેમણે ઉમેર્યું હતું કે દેશમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો થયો હોવા છતાં મૃત્યુદર નીચો રાખવામાં સરકારને સફળતા મળી છે. બુધવારે એક જ દિવસમાં 6,05,65,728 સેમ્પલ્સ લેવાયા હતા. 28મી ઓગસ્ટ સુધીમાં ભારતે કોરોનાના ટેસ્ટિંગ માટે 4,04,06,609 સેમ્પલ લીધા હતા. છેલ્લા 20 દિવસમાં ભારતમાં સરેરાશ દૈનિક 10 લાખથી વધુ ટેસ્ટિંગ થયું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.